ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ઈંગ્લેન્ડ સામે 3 મેચની T20 શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈના પ્રતિષ્ઠિત વાનખેડે સ્ટેડિયમમાં શનિવારે રાત્રે રમાયેલી શ્રેણીની બીજી T20 મેચ (IND W vs ENG W 2nd T20)માં ભારતીય ટીમને ઈંગ્લેન્ડની મહિલાઓએ 4 વિકેટે પરાજય આપ્યો હતો. આ મેચમાં ભારતીય ટીમ 80 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જે બાદ ઈંગ્લેન્ડે 11.2 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. જોકે તેની 6 વિકેટ પડી હતી.
ભારતીય મહિલા ટીમ શનિવારે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઈંગ્લેન્ડ સામે 16.2 ઓવરમાં 80 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી જેમિમાહ રોડ્રિગ્ઝે સૌથી વધુ 30 રન બનાવ્યા હતા. તેના સિવાય માત્ર સ્મૃતિ મંધાના (10 રન) જ બે આંકડા સુધી પહોંચી શકી હતી. ઈંગ્લેન્ડ તરફથી ચાર્લી ડીન, લોરેન બેલ, સોફી એક્લેસ્ટોન અને સારાહ ગ્લેને 2-2 વિકેટ લીધી હતી જ્યારે નેટ સાયવર બ્રન્ટ અને ફ્રેયા કેમ્પને 1-1 વિકેટ મળી હતી.
81 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની મહિલા ટીમને 18 રનના સ્કોર પર પહેલો ફટકો ત્યારે લાગ્યો જ્યારે ઈનિંગની ત્રીજી ઓવરના ત્રીજા બોલ પર સોફિયા ડંકલી (9) રેણુકા સિંહનો શિકાર બની હતી.
આ ઓવરના છેલ્લા બોલ પર ડેનિયલ વોટ (0)ને રેણુકાએ બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ એલિસ કેપ્સી (25)એ નેટ સાયવર-બ્રન્ટ (16) સાથે ત્રીજી વિકેટ માટે 42 રન જોડ્યા. પૂજા વસ્ત્રાકરે આ ભાગીદારી તોડી હતી. તેણે ઇનિંગ્સની 8મી ઓવરના 5માં બોલ પર સાયવર બ્રન્ટને બોલ્ડ કર્યો હતો. આ વિકેટ 61ના સ્કોર પર પડી હતી. ત્યાર બાદ થોડી જ વારમાં 73ના સ્કોર સુધી ટીમની 6 વિકેટ પડી હતી એટલે કે મહેમાનોની 4 વિકેટ 12 રનના તફાવતે પડી હતી.
ઇનિંગની 11મી ઓવરમાં દીપ્તિ શર્માએ સતત બોલ પર વિકેટ લીધી હતી. તેણીએ એમી જોન્સ (5)ને બીજા બોલ પર પૂજા વસ્ત્રાકરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારબાદ આગલા બોલ પર ફ્રેયા કેમ્પ (0) એલબીડબ્લ્યુ આઉટ થયો હતો.
સોફી એક્લેસ્ટોને શ્રેયંકા પાટિલના બોલ પર ચોગ્ગો ફટકારીને જીત પર મહોર મારી. આ સાથે ઈંગ્લેન્ડે હવે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. મુલાકાતી ટીમે પ્રથમ T20 38 રનથી જીતી હતી. શ્રેણીની ત્રીજી અને અંતિમ T20 મેચ આ મેદાન પર 10 ડિસેમ્બર રવિવારે રમાશે.