દેશના તમામ નાગરિકોને સમાન હક માટે સમાન નાગરિક ધારો-યુનિફોર્મ સિવિલ કોડનો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કરેલો છે. તદઅનુસાર, ગુજરાત રાજ્યમાં વસતા બધા જ નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા પાંચ સભ્યોની સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈના અધ્યક્ષસ્થાને આ સમિતિની રચના કરાશે.
તેના અન્ય સભ્યો તરીકે નિવૃત્ત વરિષ્ઠ આઈ.એ.એસ. સી.એલ. મીના, એડવોકેટ આર. સી. કોડેકર તેમજ ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબહેન શ્રોફનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પદચિન્હો પર ચાલતા ગુજરાતે રાજ્યમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટે મુસદ્દો તૈયાર કરવા આ સમિતિની રચના કરી છે. આ સમિતિ પોતાનો અહેવાલ 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
આ અહેવાલના અભ્યાસના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની સરકાર ‘જે કહેવું તે કરવું’ના કાર્ય મંત્રને અનુસરે છે.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, 370 કલમ નાબૂદી, વન નેશન વન ઇલેક્શન, નારીશક્તિ વંદના અધિનિયમ અને ત્રિપલ તલાક કાનૂન વગેરે માટેના જે વચનો ચૂંટણી ઢંઢેરામાં આપ્યા હતા તે વચનો એક પછી એક પૂર્ણ થઈ રહ્યાં છે.
ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, એ જ દિશામાં આગળ વધતાં વડાપ્રધાનશ્રી સમાન નાગરિક ધારાના અમલ માટે સંકલ્પબદ્ધ છે. ગુજરાત વડાપ્રધાનના સંકલ્પોને સાકાર કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહ્યું છે. આ હેતુસર, રાજ્ય સરકારે યુ.સી.સી.ની આવશ્યકતા ચકાસવા, કાયદા માટે મુસદ્દો તૈયાર કરવા સમિતિની રચના કરી છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યુનિફોર્મ સિવિલ કોડના કાયદામાં આદિવાસી સમાજની સંપૂર્ણ ચિંતા કરીને તેમના નીતિ-નિયમો, રિવાજો, કાનૂનોનું સંરક્ષણ કરવામાં આવશે અને તેનાથી કોઈપણ પ્રકારે આદિવાસી સમાજના કોઈ રિતી-રિવાજો, કાનુનો કે અધિકારોને અસર નહિ થાય તેવી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વાતનો પુનરોચ્ચાર કર્યો હતો.
સમાન નાગરિક સંહિતા લાગુ થવાથી ગુજરાતમાં કયા ફેરફારો થશે?
– લગ્ન ફરજિયાતપણે રજીસ્ટર કરાવવા પડશે. ગ્રામસભા સ્તરે પણ નોંધણીની સુવિધા હશે.
– જાતિ, ધર્મ કે સમુદાયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડા માટે એક સમાન કાયદો હશે. હાલમાં, દેશમાં દરેક ધર્મના લોકો તેમના અંગત કાયદાઓ દ્વારા આ બાબતોનો ઉકેલ લાવે છે.
– બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. છોકરીઓની લગ્નની ઉંમર ૧૮ વર્ષ હશે, પછી ભલે તેમની જાતિ કે ધર્મ કોઈ પણ હોય.
– બધા ધર્મોમાં બાળકોને દત્તક લેવાનો અધિકાર હશે, પરંતુ બીજા ધર્મના બાળકને દત્તક લઈ શકાશે નહીં.
– હલાલા અને ઇદ્દતની પ્રથાઓ બંધ કરવામાં આવશે. છોકરીઓને છોકરાઓ જેટલી જ વારસામાં હિસ્સો મળશે.
– લિવ-ઇન રિલેશનશિપ રજીસ્ટર કરાવવી પડશે. આધાર કાર્ડ ફરજિયાત રહેશે. ૧૮ થી ૨૧ વર્ષની વયના યુગલોએ તેમના માતાપિતાનો સંમતિ પત્ર સબમિટ કરવાનો રહેશે.
– લિવ-ઇન રિલેશનશિપમાંથી જન્મેલા બાળકને પરિણીત યુગલના બાળક જેટલો જ અધિકાર મળશે.
– સમાન નાગરિક સંહિતાના આ ડ્રાફ્ટમાં, અનુસૂચિત જનજાતિઓને સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યા છે. ટ્રાન્સજેન્ડર અને પૂજા પ્રથાઓ અને પરંપરાઓ જેવી ધાર્મિક બાબતોમાં કોઈ દખલગીરી કરવામાં આવી નથી.










