સમગ્ર ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં ડુંગળીનુ સૌથી વધુ ઉત્પાદન થાય છે. આ વખતે પણ ભાવનગર જિલ્લામાં ડુંગળીનુ ઉત્પાદન મબલખ થયુ છે, પરંતુ ભાવ તળિયે બેસી જતા ખેડૂતો પાયમાલ થયા છે. હાલ ડુંગળી વેચવા માર્કટિંગ યાર્ડની બહાર પાંચ કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી છે. આપને જણાવી દઈએ કે, ભાવનગર શહેરના બંને માર્કેટિંગ યાર્ડમાં અંદાજીત 3.5 લાખથી વધુ ગુણીની આવક નોંધાઈ છે.
મહત્વનું છે કે ડુંગળીના એક ગુણીની માર્કટ યાર્ડમાં કિંમત માત્ર 35 રૂપિયા આસપાસ છે, એટલે કે એક મણ ડુંગળીના ખેડૂતોને માત્ર 50-60 રૂપિયા જ મળી રહ્યા છે, જેને પગલે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યા છે. ખેડૂતોનુ કહેવુ છે કે આટલી કિંમતમાં ડુંગળીના ઉત્યાદનનો ખર્ચ પણ ઉભો થઈ રહ્યો નથી, એટલે કે હાલ ગરીબોની કસ્તુરી ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહી છે.
તો બીજી તરફ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ભારે આવક થઇ રહી છે. ત્યારે અચાનક જ ડુંગળીના ભાવમાં ઘટાડો નોંધાતા ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે. ડુંગળીના ભાવમાં એક જ રાતમાં ઘટાડો નોંધાયો હોવાનો ખેડૂતો જણાવી રહ્યા છે.
અચાનક જ ડુંગળીના ભાવ ઘટતા ખેડૂતો રોષે ભરાયા છે. ડુંગળીના ઘટતા ભાવ માટે ખેડૂતો માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો અને વેપારીઓને જવાબદાર માની રહ્યા છે. હાલ તો ઘટતા ભાવથી પરેશાન ખેડૂતો ડુંગળીનો વધુ ભાવ આપવા માગ કરી રહ્યા છે.
ડુંગળી પકવતા ખેડૂતોને પરચુરણ જેવા ભાવ રડાવી રહ્યાં છે. ડુંગળીનું મબલક ઉત્પાદન તો છે પરંતુ ભાવ તળિયે છે. હળવદના ભલગામડાના ખેડૂતે 100 વીઘાની ડુંગળી પર રોટોવેટર ફેરવી નાંખ્યું. ગરીબોની કસ્તુરી ખેડૂતોને પાયમાલ કરી રહી છે.
હળવદના ખેડૂતને ડુંગળીના ઉભા પાક પર રોટોવેટર એટલે ફેરવવું પડ્યું. કેમકે જે ડુંગળી તૈયાર થઈને માર્કેટ પહોંચી તેમાં તો ખોટ છે જ, જે ડુંગળી ખેતરમાંથી કાઢી પેકિંગ કરી માર્કેટયાર્ડ પહોંચાડવાની બાકી છે, તેમાં પણ લાખના 12 હજાર થાય તેવી સ્થિતિ છે.
ડબલ એન્જિનની સરકારમાં ખેતરમાં મજબૂરીવશ ડબલ રોટોવેટર ચાલી રહ્યાં છે, આ અમારા શબ્દો નહીં ખેડૂતનો નિસાસો છે.
એક વીઘે ડુંગળીની વાવણી અને તૈયાર કરવા પાછળ અંદાજે 40 હજાર અને એકરે અંદાજે 1 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. જેમાં બિયારણ, વાવણી માટે મજૂરી, નિંદામણ, દવા અને રાસાયણીક ખાતર સહિત ડુંગળી કાઢી કટ્ટામાં પેકિંગ કરવાના ખર્ચનો સમાવેશ થાય છે.
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.