વધતા ઈન્ટરનેટના ઉપયોગની વચ્ચે દરરોજ કોઈને કોઈ ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બને છે. જેમાં અમુક લોકો પોતાની જીવનભરની બચત ગુમાવી દેતા હોય છે. ક્યારેક નકલી કોલ્સ દ્વારા, ક્યારેક નકલી UPI લિંક્સ દ્વારા સ્કેમર્સ દરરોજ નવી રીતે લોકોને છેતરપિંડી કરી રહ્યા છે.
જો તમને પણ ચિંતા હોય કે કોઈ સ્કેમર્સની નવી ટ્રિકથી તમને ફસાવી શકે છે અને તમારું બેંક બેલેન્સ ખાલી કરી શકે છે, તો ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમારા માટે એક ટ્રિક લઈને આવ્યા છીએ, જેને અપનાવીને તમે તમારી જાતને અને તમારા પૈસાને તમામ પ્રકારની ઓનલાઈન છેતરપિંડીથી બચાવી શકો છો. આ ટ્રિક જાણ્યા બાદતમારે સ્કેમર્સ દ્વારા છેતરપિંડીની નવી પદ્ધતિઓથી ડરવાની જરૂર નહીં રહે.
આ રીતે થાય છે છેતરપિંડી
જ્યારે કોઈ છેતરપિંડી કરનાર તમને નકલી કોલ, મેસેજ અથવા લિંક દ્વારા છેતરે છે અને તમારું બેંક બેલેન્સ ખાલી કરે છે ત્યારે તમારી સાથે ફ્રોડ થયું ગણાય. ઘણી વખત આ લોકો બેંક કર્મચારી, કસ્ટમર કેર અથવા ડિલિવરી એજન્ટ તરીકે પોતાને ઓળખાવે છે અને OTP અથવા UPI પિન માંગે છે.

ક્યારેક તેઓ તમને QR કોડ મોકલે છે અને કહે છે કે તેને સ્કેન કરવાથી પૈસા મળશે, પરંતુ હકીકતમાં પૈસા જતા રહે છે. નકલી વેબસાઇટ્સ અથવા એપ્સ દ્વારા લોકો સરળતાથી છેતરાય છે.
જો તમે કોઈ અજાણી લિંક પર ક્લિક કરો છો અથવા તેને ચેક કર્યા વગર પેમેન્ટ કરો છો તો છેતરપિંડીની શક્યતા વધી જાય છે. આ સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે શું પેમેન્ટ કરતા પહેલા છેતરપિંડીને ઓળખી શકાય ખરા?
આ છે ફ્રોડથી બચવાનો પ્રોપર ઉપાય
NCCRP એટલે કે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ કોઈપણ પ્રકારના પેમેન્ટ ફ્રોડને ટાળવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. તે તમને છેતરપિંડી નંબરો વિશે ફરિયાદ કરવાનો ઓપ્શન જ પૂરો પાડતું નથી, પરંતુ ફરિયાદમાં મળેલા દરેક નંબરોનો રેકોર્ડ આપીને લોકોને કોઈપણ ફ્રોડથી બચાવવાનો પણ પ્રયાસ કરે છે.
આ સરકારી પોર્ટલ પરની સેવાની મદદથી કોઈને પણ પેમેન્ટ કરતા પહેલા તમે ચેક કરી શકો છો કે તે વ્યક્તિના નામ, નંબર અથવા UPI ID અંગે અગાઉ કોઈ ફરિયાદ નોંધાઈ છે કે નહીં. આ રીતે તમે પેમેન્ટ કરતા પહેલા હંમેશા બીજી વ્યક્તિની વિગતો જાણી શકો છો.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
- જો તમે પેમેન્ટ કરતા પહેલા ચેક કરવા માંગતા હો કે તમે જેને પેમેન્ટ કરવા જઈ રહ્યા છો તે વ્યક્તિ સ્કેમર છે કે નહીં તો આ માટે તમે નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરી શકો છો.
- સૌ પહેલા તમારે NCCRP ગુગલ કરવું પડશે.
- આ સાથે તમે સાયબર ક્રાઇમની સત્તાવાર વેબસાઇટ પર પહોંચી જશો.
- ત્યાં ઉપર જમણી બાજુએ હેમબર્ગર મેનૂ પર ક્લિક કરો અને Report & Check Suspects પર ક્લિક કરો.
- પછી Suspect Repository પર ક્લિક કરો અને Check Suspect પર ક્લિક કરો.
- ત્યાર બાદ તમારે શંકાસ્પદ વ્યક્તિ સાથે સંબંધિત કોઈપણ વિગતો આપવી પડશે. તે મોબાઇલ નંબર, UPI ID, બેંક એકાઉન્ટ નંબર અથવા ઇમેઇલ જેવું કંઈપણ હોઈ શકે છે.
- જો તમારી સામેની વ્યક્તિ સ્કેમર છે તો તેની દરેક વિગતો તમને જાહેર કરવામાં આવશે.