ગુજરાત રાજ્યના તમામ જન્મ-મરણ નોંધણી એકમો પર એકસૂત્રતા જળવાઈ રહે તે હેતુથી રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાત સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા એક પરિપત્ર બહાર પાડીને જન્મ અને મરણના પ્રમાણપત્રોમાં નામકરણની એક નવી પદ્ધતિ લાગુ કરવામાં આવી છે.
આ નવા નિયમ અનુસાર, હવેથી જન્મ મરણના પ્રમાણપત્રોમાં સૌપ્રથમ નામ (First Name), ત્યાર પછી મિડલ નેમ (Middle Name) એટલે કે પિતાનું નામ અને છેલ્લે અટક (Surname) લખવાની સૂચના આપવામાં આવી છે.

અત્યાર સુધી નામકરણ માટે કોઈ ચોક્કસ માર્ગદર્શિકા ન હોવાને કારણે લોકો જન્મ મરણના દાખલા અને આધાર કાર્ડ જેવી મહત્વપૂર્ણ બાબતોમાં પોતાની રીતે નામ લખાવતા હતા.
કેટલાક લોકો સૌપ્રથમ નામ લખાવતા તો કેટલાક અટક લખાવતા, જેના કારણે સરકારને આઈડી અપડેટ કરવા અને ડેટા લિંક કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ પરિસ્થિતિને સુધારવા માટે રાજ્ય સરકારે આ નવો નિયમ અમલમાં મૂક્યો છે.
નવા નિયમ મુજબ, જન્મ મરણના દાખલા અને આધાર કાર્ડમાં સૌપ્રથમ વ્યક્તિનું પોતાનું નામ, ત્યારબાદ તેના પિતાનું નામ અને છેલ્લે અટક લખવાની રહેશે. એટલું જ નહીં, બાળકનાં માતા અને પિતાના નામની કોલમમાં પણ સૌપ્રથમ નામ (First Name), ત્યાર પછી મિડલ નેમ (Middle Name) અને અંતે અટક (Surname) લખવાનું રહેશે.
આ સૂચના રાજ્ય સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર દ્વારા આપવામાં આવી છે અને મરણ પ્રમાણપત્રો માટે પણ આ જ પદ્ધતિ અનુસરવાનો આદેશ કરાયો છે.
આધાર કાર્ડમાં બાળક અને તેના પિતાની માહિતી ઉપરાંત દાદા-દાદીનું નામ અને માતાના કિસ્સામાં તેના પિતાનું નામ પણ લખવામાં આવે છે. આ બાબતે પણ સરકારે સ્પષ્ટતા કરી છે કે આધાર કાર્ડમાં પણ આ નવી નામકરણ પદ્ધતિનું પાલન કરવું જરૂરી રહેશે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
જે લોકો પાસે જૂની પદ્ધતિવાળા આધાર કાર્ડ છે, તેમને હાલમાં કોઈ સુધારો કે ફેરફાર કરવાની જરૂર નથી. પરંતુ જ્યારે પણ આધાર કાર્ડમાં કોઈ ફેરફાર કરાવવાનો થાય, ત્યારે આ નવી પદ્ધતિને અનુસરવી પડશે.
સરકારની આ નવી સૂચના પછી, હવે નવા કાઢવામાં આવતા તમામ આધાર કાર્ડમાં સૌપ્રથમ નામ, પછી પિતાનું નામ અને છેલ્લે અટક લખવાની સૂચના આપવામાં આવી છે.
તેવી જ રીતે, જન્મ મરણના દાખલામાં પણ આ સિસ્ટમ તાત્કાલિક અસરથી લાગુ કરવા માટે નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પગલાથી જન્મ-મરણ નોંધણી પ્રક્રિયામાં એકસૂત્રતા આવશે અને સરકારી કામગીરી વધુ સરળ અને કાર્યક્ષમ બનશે તેવી અપેક્ષા છે.