સાબરકાંઠાના હિંમતનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોયાબીન, અડદ અને મગની ટેકાના ભાવે રાજ્યવ્યાપી ખરીદીનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીના હસ્તે જિલ્લાના ખેડૂતોને વિવિધ યોજનાકીય સહાયના ચેક પણ અર્પણ કરાયા હતા.
પ્રાઈઝ સપોર્ટ સ્કીમ (PSS) અન્વયે ખેડૂતોને તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુસર રાજ્યમાં 160થી વધુ કેન્દ્રો દ્વારા 90 દિવસ સુધી આ ખરીદી કરાશે.
રાજ્યભરના 3.70 લાખથી વધુ કિસાનોએ આ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2024-25માં મગફળી માટે રૂ. 6783, મગ માટે રૂ. 8682, અડદ માટે રૂ. 7400 તેમજ સોયાબીન માટે રૂ. 4892 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કરાયા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યનો પિયત વિસ્તાર આજે 62 લાખ હેક્ટર થઈ ગયો છે. એગ્રીકલ્ચર સેક્ટરમાં ઉત્પાદન પણ વધીને 2.7 લાખ કરોડ થયું છે. જળ જમીનને બચાવવા અને રોગોથી બચવા પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું પડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા ખેડૂતોની પડખે ઊભા રહ્યા છે. જગતના તાતને સમૃદ્ધ કરતી અનેક કૃષિ કલ્યાણ યોજનાઓ તેમણે શરૂ કરાવી છે. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહે તે પ્રકારનું સુદઢ આયોજન તેમના વિઝનરી લીડરશીપમાં થયું છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ કર્યો છે. ખેડૂતોના હિતમાં વિવિધ પાકો માટે ટેકાના ભાવો જાહેર કરવામાં આવે છે.
ખેડૂતોના પાકની પારદર્શી રીતે પૂરતા પ્રમાણમાં ખરીદી થાય અને તેમને સમયસર નાણાં મળી રહે તે પ્રકારનું આયોજન કરાયું છે.