એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એ 2 ડિસેમ્બર, શનિવારના રોજ આગામી અંડર-19 મેન્સ એશિયા કપ 2023નું શેડ્યૂલ જાહેર કર્યું છે. 50 ઓવરના ફોર્મેટમાં રમાનારી આ ટુર્નામેન્ટ 8 ડિસેમ્બરથી દુબઈમાં શરૂ થશે. તેનો ગ્રાન્ડ ફિનાલે રવિવાર, 17 ડિસેમ્બર 2023ના રોજ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે યોજાશે. ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો વચ્ચે પણ મેચ થવાની છે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે જેને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે.
વર્તમાન ચેમ્પિયન ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં પોતાનો રેકોર્ડ નવમો ખિતાબ જીતવા માટે રમશે. ગત વખતે ભારતે વરસાદ વિક્ષેપિત ફાઈનલ મેચમાં શ્રીલંકાને નવ વિકેટે હરાવીને ટાઈટલ જીત્યું હતું. ટૂર્નામેન્ટની આ સિઝનમાં ટીમ ઈન્ડિયા ગ્રુપ Aમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને નેપાળની સાથે છે. બીજી તરફ ગ્રુપ Bમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, UAE અને જાપાનની ટીમો સામેલ છે.
એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. તેણે લખ્યું, ‘દુબઈમાં શુક્રવાર, 8મી ડિસેમ્બર 2023થી શરૂ થઈ રહેલા ACC U19 મેન્સ એશિયા કપ માટે તૈયાર થઈ જાઓ! 50 ઓવરના આ શોડાઉનમાં ટોચની 8 એશિયન ટીમો ટકરાશે. આ યુવા ક્રિકેટ સ્ટાર્સ આ ટુર્નામેન્ટમાં ટાઈટલ જીતવા માટે લડશે.
આ ટુર્નામેન્ટમાં ભારતની અંડર-19 ટીમ 8મી ડિસેમ્બરથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. ઉદય સહારન ભારતની આ અંડર-19 ટીમનું નેતૃત્વ કરશે. આ સાથે જ સૌમ્ય કુમાર પાંડેને વાઇસ કેપ્ટન્સી સોંપવામાં આવી છે. પ્રથમ મેચ: 8મી ડિસેમ્બરે ICC એકેડમી, ઓવલ-1 ખાતે તેની શરૂઆતની મેચમાં અફઘાનિસ્તાનનો સામનો કરશે.
આ પછી 10મી ડિસેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટી મેચ થવા જઈ રહી છે, જેની ક્રિકેટ ચાહકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે જ સમયે, છેલ્લી લીગ મેચ 12મી ડિસેમ્બરે નેપાળ સામે આઈસીસી એકેડમી ઓવલ-2માં રમાશે.
ભારતની અંડર-19 ટીમ: ઉદય સહારન (કેપ્ટન), સૌમ્ય કુમાર પાંડે (વાઈસ-કેપ્ટન), અરશિન કુલકર્ણી, આદર્શ સિંહ, રુદ્ર મયુર પટેલ, સચિન ધસ, પ્રિયાંશુ મોલિયા, મુશીર ખાન, ધનુષ ગૌડા, અવિનાશ રાવ (WK) , એમ. અભિષેક, ઇનેશ મહાજન (વિકેટકીપર), આરાધ્યા શુક્લા, રાજ લિંબાણી, નમન તિવારી.
સ્ટેન્ડબાય ખેલાડીઓ: પ્રેમ દેવકર, અંશ ગોસાઈ, મોહમ્મદ અમાન.
રિઝર્વ ખેલાડીઓઃ દિગ્વિજય પતિમ, જયંત ગોયત, પી વિગ્નેશ, કિરણ ચોરમલે.