ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામા આવી છે. માવઠાની આગાહીથી રાજ્યના ખેડૂતોની ચિંતા વધી છે. આગામી ત્રણ દિવસ માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. જેમાં તા. 4, 5 અને 6 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.
હાલ રાજ્યમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે એવામાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહીથી ખેડૂતોનું ટેન્શન વધી ગયું છે. કારણ કે માવઠાથી કેરી અને ઘઉંના પાકને અસર થવાની ચિંતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 4 માર્ચથી સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ-ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. તો અમદાવાદ શહેરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદી છાંટા પડવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટ્રફની અસરથી આગામી ચાર દિવસ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતી દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, રાજ્યના દક્ષિણપૂર્વના છોટાઉદેપુર, વડોદરા અને નર્મદામાં હળવો કમોસમી વરસાદ થવાની સંભાવના છે, આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છના પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, ભાવનગર, અમરેલી અને ભૂજ જિલ્લામાં વરસાદ થઈ શકે છે.
અપર લેવલમાં હવાનું સર્ક્યુલેશન દક્ષિણ-પશ્ચિમ તરફનું રહેશે, જેના કારણે અરબી સમુદ્રથી ભેજ અપર લેવલમાં આવી રહ્યું છે અને લોઅરમાં પૂર્વીય પવન છે જેના કારણે હવામાનમાં ફેરફાર થઈ રહ્યા છે.
હવામાન વિભાગ અને ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટનું માનીએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ અને સુરતમાં વરસાદની શક્યતા છે. આ સાથે ગીરસોમનાથ, ભાવનગર, જુનાગઢ અને અમરેલીના દરિયાકાંઠના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. તો ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 5 થી 7 માર્ચ વચ્ચે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવતા હવે કેરી, ઘઉં અને કપાસના પાકને અસર થવાની ભીતિ ઊભી થઈ છે.
સુરત જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને લઈ તંત્ર એક્શનમાં આવી છે અને આગાહીના પગલે અગમચેતી તૈયારી બતાવી છે. 5 અને 6 માર્ચના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી ત્યારે કમોસમી વરસાદની આગાહીને લઈ તંત્ર એલર્ટ થયું છે ત્યારે તંત્ર દ્વારા ખેડૂતોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. ખેતરમાં કાપણી કરેલા પાકો સલામત સ્થળે ખસેડવા અપીલ કરાઈ છે. ખેડૂતોનો પાક બગડે નહી તે માટે તંત્ર દ્વારા જરૂરી સૂચનો કરાયાં છે.
આવી વધારે માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.