જો તમે કોઈપણ બેંકમાંથી હોમ લોન અથવા પર્સનલ લોન લીધી હોય તો આ સમાચાર તમારા માટે છે. કેમ કે રિઝર્વ બેંક (RBI) દ્વારા કેટલીક ડ્રાફ્ટ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, જેમાં ફ્લોટિંગ વ્યાજ દરો સાથે લોન પર વસૂલવામાં આવતી ફોરક્લોઝર ફી અને પ્રીપેમેન્ટ પેનલ્ટી દૂર કરવાનો પ્રસ્તાવ મૂકાયો છે. RBI એ 21 માર્ચ 2025 સુધીમાં આ અંગે લોકો પાસેથી અભિપ્રાય માંગ્યો છે.
જ્યારે આ નિયમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે ત્યારે બદલાયેલા નિયમો લોન અથવા એડવાન્સિસ પર લાગુ કરવામાં આવશે. જેના અંતર્ગત છેલ્લા પરિપત્રમાં ઉલ્લેખિત તારીખ બાદ ફોરક્લોઝ કરવામાં આવશે. આ નિયમો દરેક બેંકો અને NBFCને લાગુ પડશે.
બિઝનેસ લોન પર કોઈ ચાર્જ નહીં
ડ્રાફ્ટ અનુસાર જો કોઈ વ્યક્તિ ફ્લોટિંગ રેટ (બદલાતા વ્યાજ દર)વાળી લોન લે છે તો તેને સમય પહેલાં લોન ચૂકવવા અથવા બંધ કરવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવો નહીં પડે. પણ આ ચાર્જ બિઝનેસ લોન પર વસૂલવામાં આવશે.

આ સિવાય વ્યક્તિગત અને નાના વ્યવસાયો (MSE) ને આપવામાં આવતી ફ્લોટિંગ રેટ બિઝનેસ લોન પર કોઈ ચાર્જ લેવામાં નહીં આવે, પરંતુ કેટલીક સહકારી બેંકો અને NBFCને તેમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ નિયમો તમામ પ્રકારની ફ્લોટિંગ રેટ લોન પર લાગુ થશે. લોન ગમે ત્યાંથી લેવામાં આવી હોય અને લોન સંપૂર્ણ રીતે ચૂકવવામાં આવી હોય કે થોડી પણ આ નિયમ દરેક પર લાગુ થશે.
કોઈપણ પ્રકારની સમય મર્યાદા નહીં રહે
અન્ય પ્રકારની લોન પરના ચાર્જ બેંક અથવા નાણાકીય સંસ્થાની નીતિ મુજબ વસૂલવામાં આવશે. બેંકો અથવા નાણાકીય સંસ્થાઓ સમય પહેલાં લોન ચૂકવવાની સુવિધા પૂરી પાડશે અને આ માટે કોઈ મિનિમમ સમય મર્યાદા નહીં રહે.
જો બેંક અથવા નાણાકીય સંસ્થા પોતે લોન બંધ કરે છે તો કોઈ ચાર્જ વસૂલવામાં નહીં આવે. નિયમ મુજબ બેંક દ્વારા લોન લેનારને તમામ ચાર્જિસ અગાઉથી જાણ કરવામાં આવશે. જો કોઈ ફી માફ કરવામાં આવી હોય અથવા અગાઉ જાહેર કરવામાં ન આવી હોય તો તે પછીથી લેવામાં નહીં આવે.
શું છે ફ્લોટિંગ રેટ લોન?
ફ્લોટિંગ રેટ લોન એવી લોન છે જેમાં વ્યાજ દર બદલાતા રહે છે. આ વ્યાજ દર RBI રેપો રેટ અથવા MCLR જેવા કોઈ ધોરણો મુજબ બદલાય છે. ફિક્સ્ડ રેટ લોનમાં, લોનની મુદત દરમ્યાન વ્યાજ દર સમાન રહે છે. પરંતુ ફ્લોટિંગ રેટ લોનમાં MPC દરમિયાન RBIના વ્યાજ દરના નિર્ણયો મુજબ વ્યાજ દર બદલાતા રહે છે. મતલબ કે ફિક્સ્ડ રેટ લોનમાં, વ્યાજ હંમેશા સમાન રહે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
જ્યારે ફ્લોટિંગ રેટ લોનમાં RBI ના નિર્ણયો મુજબ વ્યાજ વધતું અને ઘટતું રહે છે. મતલબ કે, જ્યારે વ્યાજ દર ઓછા હોય છે ત્યારે લોન લેનારાઓ ઓછા વ્યાજ દરનો લાભ મેળવી શકે છે. પરંતુ જો વ્યાજ દર વધે તો તેમને વધુ પૈસા ચૂકવવા પડી શકે છે. RBIએ વ્યાજ દર ઘટાડવાનું શરૂ કરી દીધું છે કેમ કે તેમને આ મહિનાની શરૂઆતમાં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો.