નાણા મંત્રાલય દ્વારા નવા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે જારી કરવામાં આવેલી સૂચના અનુસાર નાની બચત યોજનાઓના વ્યાજ દરોની જાહેરાત કરવામાં આવી છે. નોટિફિકેશન મુજબ, આ દરો 30 જૂન, 2024 સુધી લાગુ રહેશે.
સ્મોલ સેવિંગ સ્કીમ્સ ઈન્ટરેસ્ટ રેટઃ- જો તમે પણ સરકાર દ્વારા ચલાવવામાં આવતી સ્મોલ સેવિંગ સ્કીમ્સમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. સરકારે ગુરુવારે જાહેરાત કરી હતી કે નવા નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલ 2024થી વિવિધ નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે 1 એપ્રિલ, 2024 થી શરૂ થતા અને 30 જૂન, 2024 ના રોજ સમાપ્ત થતા નવા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે દરો સમાન રહેશે.
નવા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વ્યાજ દરો નાણાકીય વર્ષ 2023-24 (1 જાન્યુઆરી 2024 થી 31 માર્ચ 2024) ના ચોથા ત્રિમાસિક ગાળા માટે હતા તેવા જ રહેશે.
નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ જમા કરવામાં આવેલી રકમ પર 8.2 ટકાનો વ્યાજ દર મળશે. તે પહેલાની જેમ જ રહેશે. આ સિવાય ત્રણ વર્ષની FD પર વ્યાજ દર પહેલાની જેમ 7.1 ટકા રહેશે.
આ ઉપરાંત, કરોડો રોકાણકારોની મનપસંદ PPF અને પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમના વ્યાજ દરો પણ અનુક્રમે 7.1 ટકા અને 4 ટકા પર યથાવત રહેશે.
કિસાન વિકાસ પત્ર પર વ્યાજ દર પણ 7.5 ટકા યથાવત રાખવામાં આવ્યો છે. આ સરકારી યોજનામાં રોકાણ 115 મહિનામાં પરિપક્વ થશે. આ સિવાય એપ્રિલ-જૂન 2024 ક્વાર્ટર માટે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) પરનો વ્યાજ દર 7.7 ટકા પર યથાવત રહેશે.
વર્તમાન ક્વાર્ટરની જેમ, રોકાણકારોને માસિક આવક યોજના પર 7.4 ટકા વ્યાજ દરનો લાભ મળશે. સરકાર દ્વારા સમીક્ષાના આધારે દર ત્રિમાસિક ગાળામાં નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરને સૂચિત કરવામાં આવે છે. આ યોજનાઓ મુખ્યત્વે પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવે છે.