ગરીબ વર્ગને પુરૂ પાડવામાં આવતા અનાજ વિતરણ વ્યવસ્થા અંગે અનેક ફરિયાદો સામે આવી છે. રાજ્યમાં 72.51 લાખ કરતા વધુ પરિવારોને રાજ્ય સરકાર સસ્તું અનાજ પૂરું પાડે છે. જેમાં કેટલીક ફરિયાદ સરકાર તરફથી આપવામાં આવતા અનાજની ક્વોલિટીને લઈને મળી છે.
રાજ્ય સરકાર ગરીબોને આપવામાં આવતા અનાજમાં કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય અને ગુણવત્તાયુક્ત અનાજ મળી રહે તે માટે મહત્વનું પગલું ભરવા જઈ રહી છે.
રાજ્ય સરકાર ગરીબોને આપવામાં આવતું અનાજ હવે પેકેટમાં આપશે.
આ અંગે અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, ગરીબોને આપવામાં આવતા અનાજમાં કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય તે માટે અનાજનું પેકેજીગ કરીને વિતરણ કરવાનું વિચારણા કરવામાં આવી છે. આવનાર બજેટમાં અનાજના પેકેજીગ કરવા માટે રકમની જોગવાઈ કરવામાં આવશે.
આ ઉપરાંત પેકેજીગ બાબતે કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી મેળવવા માટે પરામર્શ કરવામાં આવી રહી છે. હાલ રાજ્યના એંએએફએસ ગ્રાહકોને કિલો, 2 કિલો, ત્રણ કિલો છૂટક અનાજ આપવામાં આવે છે.
જો કે કેટલીક જગ્યાએ અનાજ બદલી દેવાતું હોય તેવી ફરિયાદો મળી છે. જેથી રાજ્ય સરકાર અનાજ, કઠોળ, ખાંડ ને પેકેટમાં નક્કી કરેલા જથ્થા મુજબ વિતરણ કરવાનું વિચારી રહી છે.
અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ 2711 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી હતી. રાજ્યના 72 લાખ કુટુંબોને છેલ્લા ચાર વર્ષમાં 68 લાખ મેટ્રિક ટન અનાજ વિનામૂલ્યે પુરૂ પાડવામાં આવ્યું હતું.
નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ-2013 હેઠળ અગ્રતા ધરાવતા અંદાજે 72 લાખ કુટુંબોને NFSA હેઠળ આવરી અનાજ પૂરું પાડવા માટે `675 કરોડની જોગવાઇ કરવામાં આવી હતા.
“પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના” તથા રાજ્ય સરકારની “પીએનજી /એલપીજી સહાય યોજના”ના અંદાજે 38 લાખથી વધુ લાભાર્થીઓને ઘરગથ્થુ વપરાશ માટે વર્ષમાં બે વખત વિનામૂલ્યે ગેસ સિલીન્ડર રિફીલીંગ કરી આપવા 500 કરોડની જોગવાઇ કરવામાં આવી હતી
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
NFSA લાભાર્થી કુટુંબોને ખાદ્યતેલ રાહત દરે આપવા માટે 160 કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. સૂક્ષ્મ પોષક તત્વો યુક્ત ડબલ ફોર્ટિફાઇડ મીઠા ના વિતરણ માટે 51 કરોડની જોગવાઇ.
અન્નના વપરાશને પ્રોત્સાહન આપવા બાજરી/જુવાર/રાગી ની ખરીદી પર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત 300 પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહક બોનસ ચૂકવવા 37 કરોડની જોગવાઇ કરવામાં આવી હતી
વિધાનસભા ગૃહમાં પણ સસ્તા અનાજ ચોરીને ફરિયાદોને લઈને વિપક્ષે મુદ્દા ઉઠાવ્યા હતા. ગરીબોને આપવામાં આવતા અનાજની ચોરી અટકે તે માટે અન્ન નાગરિક પુરવઠા વિભાગે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ પણ શરૂ કર્યો છે.
આ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા અનાજનું વિતરણ વ્યવસ્થા એટલે કે ગોડાઉનમાંથી નીકળતા અનાજના જથ્થા પર ધ્યાન રાખી શકાય છે.
જેમ કે માલવાહક સાધનમાં અનાજનો જથ્થો લઈ જવામાં આવે છે એ વાહનમાં જીપીએસ સિસ્ટમ વડે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી મોનીટરીંગ કરવામાં આવે છે. આથી અનાજનો જથ્થો લઈને જતા વાહન ક્યાં રોકાય છે ક્યાં રૂટ પરથી જાય છે તેનું ધ્યાન રાખવામાં આવે છે. આ સિસ્ટમ થકી અનાજની ચોરી અટકાવવામાં સફળતા મળી છે
રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે N.F.S.A.-2013 હેઠળ સમાવિષ્ટ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ -સિંગતેલ બજાર ભાવથી ઘણી ઓછી કિંમતે કાર્ડ દીઠ 1 લિટર પાઉચ રૂપિયા 100 પ્રતિ લિટરના રાહત દરે તથા બીપીએલ અને અંત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની 1 કિગ્રા.ખાંડ એટલે કે બીપીએલ કુટુંબોને કાર્ડ દીઠ 1 કિ.ગ્રા. રૂપિયા 22 પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે તથા અંત્યોદય કુટુંબોને કાર્ડ દીઠ 1 કિ.ગ્રા. રૂપિયા 15 ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.
રાજ્યના 8 લાખ જેટલા અંત્યોદય અન્ન યોજનાના કુટુંબોને પ્રતિ કાર્ડ 15 કિલો ઘઉં, 15 કિલો ચોખા અને 5 કિલો બાજરી મળી કુલ 35 કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.
એ જ રીતે રાજ્યના 66 લાખ જેટલા “અગ્રતા ધરાવતા કુટુંબો”ની 3.23 કરોડ જનસંખ્યાને પ્રતિ વ્યક્તિ 2 કિલો ઘઉં, 2 કિલો ચોખા અને 1 કિલો બાજરી મળી પ્રતિ વ્યક્તિ કુલ 5 કિલો અનાજનું વિતરણ કરવામાં આવે છે.
આમ, P.H.H. કુટુંબમાં પાંચ વ્યક્તિઓ હોય તો 10 કિલો ઘઉં, 10 કિલો ચોખા અને 5 કિલો બાજરી મળી કુલ 25 કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.
રાજ્ય સરકારની યોજના હેઠળ અને N.F.S.A.-2013 હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને પ્રોટીન સભર આહાર મળી રહે તે માટે કાર્ડ દીઠ 1 કિ.ગ્રા ચણા. રૂપિયા 30 પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે તથા તુવેરદાળ કાર્ડ દીઠ 1 કિ.ગ્રા. રૂપિયા 50 પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.