PMAY Gujarat: ગામડાના લોકોને ‘પોતાનું ઘરનું ઘર’ મળે એ માટે સરકાર એક મોટો નિર્ણય લઈને આવી છે! આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણના લાભાર્થીઓ માટે ખુબ જ મહત્વનો નિર્ણય કર્યો છે.

હવે આ યોજના હેઠળ ઘર બનાવવા માટે પહેલાં જે ₹1,20,000 મળતા હતા, એમાં ₹50,000 નો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે, હવે લાભાર્થીઓને કુલ ₹1,70,000 ની સહાય મળશે!
કેમ વધારી સહાય? ને કેટલા લોકોને ફાયદો?
ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલે આ નિર્ણયની વિગતો આપતા કીધું કે, ગામડાઓમાં મકાન બનાવવાનો સામાન, જેમ કે રેતી, કપચી, સિમેન્ટ ને સ્ટીલના ભાવ ખુબ વધ્યા છે. વળી, અંતરિયાળ વિસ્તારોમાં માલસામાન પહોંચાડવાનો ખર્ચ પણ વધ્યો છે. આ બધી મુશ્કેલીઓ દૂર કરવા માટે રાજ્ય સરકારે આ મોટો ને પ્રજાલક્ષી નિર્ણય લીધો છે.
વર્ષ 2025-26 ના બજેટમાં આ વધારાની સહાય ચૂકવવા માટે 1,10,000 લાભાર્થીઓનો લક્ષ્યાંક રાખ્યો છે ને એ માટે ₹550 કરોડની મોટી જોગવાઈ પણ કરી છે. મંત્રીશ્રીએ એમ પણ કીધું કે, ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 11,606 લાભાર્થીઓને ₹58 કરોડથી વધુની સહાય ચૂકવાઈ પણ ગઈ છે.
કેવી રીતે મળશે ₹1.70 લાખની સહાય?
મંત્રીશ્રીએ વધુ માહિતી આપતા કીધું કે, હવે લાભાર્થીઓને ઘર બનાવવા માટે 4 હપ્તામાં પૈસા મળશે:
- પહેલો હપ્તો: આવાસ મંજૂર થાય ત્યારે ₹30,000
- બીજો હપ્તો: પ્લીન્થ લેવલ (પાયો બને) ત્યારે ₹80,000
- ત્રીજો હપ્તો: છત ભરાય (રૂફ-કાસ્ટ લેવલ) ત્યારે ₹50,000
- ચોથો હપ્તો: આવાસ પૂરું થાય ત્યારે ₹10,000
આમ, કુલ ₹1,70,000 ની સહાય મળશે. આમાંથી ₹98,000 ની સહાય રાજ્ય સરકાર આપશે ને ₹72,000 કેન્દ્ર સરકારના ભંડોળમાંથી મળશે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
મંત્રીશ્રીનું કહેવું છે કે, આ વધારાની સહાયથી ગામડાના લોકોને ઘર બનાવતી વખતે પૈસાની તકલીફ નહીં પડે ને ઘરનું કામ ઝડપથી પૂરું થઈ જશે. આ નિર્ણય વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવામાં ને ગામડાઓને સમૃદ્ધ બનાવવામાં ખુબ જ મદદરૂપ થશે.