ખૂબ ઓછા લોકો હોય છે જેને કારેલાનું શાક ભાવતું હોય. કારેલા શરીરને લાભ કરનાર શાક છે પરંતુ તેનો સ્વાદ કડવો હોવાથી લોકો તેને ખાવાનું પસંદ કરતા નથી. પોષક તત્વોથી ભરપૂર કારેલાનું શાક નાના મોટા સૌ કોઈ ખાય તે રીતે બનાવવું હોય તો તેની કડવાશ દૂર કરવી જરૂરી છે.
કારેલાની કડવાશ દૂર થઈ જાય તેવી 5 જોરદાર ટીપ્સ આજે તમને જણાવીએ. કારેલાનું શાક બનાવો તે પહેલા આ ટિપ્સ માંથી કોઈ એક ફોલો કરીને કારેલાની કડવાશ દૂર કરી શકો છો. આ મેથડ ફોલો કર્યા પછી કારેલાનું શાક બનાવશો તો તે કડવું નહીં લાગે.
મીઠાનો કરો ઉપયોગ
કારેલાની કડવા સરળતાથી ઓછી કરવી હોય તો મીઠાનો પ્રયોગ સૌથી લોકપ્રિય અને સરળ છે. કારેલાનું શાક બનાવતા પહેલા તેની છાલ થોડી કાઢી લેવી અને તેના ટુકડા કરી લેવા.

આ ટુકડામાં મીઠું અને હળદર લગાડીને 30 મિનિટ તેને ઢાંકી રાખો. 30 મિનિટ પછી કારેલાને કપડામાં બાંધી તેનો બધો જ રસ કાઢી નાખવો. મીઠાના પાણીની સાથે કારેલાની કડવાશ પણ ઓછી થઈ જશે.
દહીંનો ઉપયોગ કરો
કારેલાની કડવાશ દૂર કરવા માટે દહીંનો ઉપયોગ પણ કરી શકાય છે. સૌથી પહેલા કારેલાને કાપી લો. સમારેલા કારેલાને અડધી અડધી કલાક સુધી દહીંમાં પલાળી દો.
દહીંમાં પલાળેલા કારેલાનું શાક બનાવશો તો તેની કડવાશ ઓછી થઈ જશે અને શાકનો સ્વાદ ખાટો મીઠો લાગશે. દહીંવાળા કારેલાનું શાક ટેસ્ટી પણ લાગે છે.
કારેલાને બાફી લો
કારેલાની કડવાશ દૂર કરવાની આ સૌથી સરળ ટ્રીક છે. કારેલાનું શાક બનાવો તે પહેલા તેને ગરમ પાણીમાં પાંચથી દસ મિનિટ માટે ઉકાળો. પાણીમાં તમે મીઠું અને લીંબુ પણ ઉમેરી શકો છો.
દસ મિનિટ પાણીમાં ઉકાળશો એટલે કારેલા થોડા સોફ્ટ થઈ જશે અને તેની કડવાશ પણ પાણીમાં નીકળી જશે. ત્યાર પછી કારેલાને પાણીમાંથી કાઢીને શાકમાં ઉપયોગમાં લો.
લીંબુ અને આંબલી
કારેલાની કડવાશ ઓછી કરવા માટે લીંબુ અને આમલીનો ઉપયોગ પણ કરી શકાય છે તેનાથી શાકનો સ્વાદ પણ સારો આવશે. લીંબુ અને આમલીમાં નેચરલ એસિડ હોય છે જે કડવાશ ઓછી કરવાનું કામ કરે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
કારેલાના ટુકડામાં લીંબુનો રસ અથવા આમલીનો પલ્પ લગાડીને 10 થી 15 મિનિટ છોડી દો અને ત્યાર પછી ધોઈને તેનો ઉપયોગ કરો.
ભરેલા કારેલા
જો તમે કારેલામાં ચટપટો મસાલો ભરીને તેનું શાક બનાવશો તો પણ કારેલાની કડવાશ ઓછી થઈ જશે. તેના માટે કારેલાની છાલ ઉપરથી કાઢી નાખવી અને વચ્ચેથી તેના બી દૂર કરી દેવા.
કારેલાની અંદર ડુંગળી, લસણ, વરીયાળી, આમચૂર સહિતના મસાલા ભરીને ટેસ્ટી શાક બનાવી શકાય છે. ભરેલા કારેલાનું શાક બનાવશો તો પણ તે કડવું નહીં લાગે.