સમાજમાં દહેશતનું વાતાવરણ ઊભું કરનારા અસામાજિક તત્વો સામે હવે ક્રાઈમ બ્રાન્ચે કડક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. આવા લુખ્ખા તત્વો વિરુદ્ધ એક ખાસ જુબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં જાગૃત નાગરિકોને પણ સહભાગી થવા માટે અપીલ કરવામાં આવી છે.
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ અંગે લાલ આંખ કરવામાં આવી છે અને અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવવા માટે કમર કસવામાં આવી છે. આ જુબેશને વધુ અસરકારક બનાવવા માટે ક્રાઈમ બ્રાન્ચે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. આ હેલ્પલાઇન નંબર છે 6359625365.

કોઈ પણ જાગૃત નાગરિક આ હેલ્પલાઇન નંબર પર લુખ્ખા તત્વોના ફોટા અને વીડિયો સાથે પોતાની ફરિયાદ નોંધાવી શકશે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ તમામ ફરિયાદોની ગંભીરતાથી નોંધ લેવામાં આવશે અને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.
આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં ભયનું વાતાવરણ ફેલાવનારા તત્વોને નાથવાનો અને સામાન્ય નાગરિકોને સુરક્ષિત અને શાંતિપૂર્ણ માહોલ પૂરો પાડવાનો છે. ક્રાઈમ બ્રાન્ચનું માનવું છે કે નાગરિકોના સહકારથી આવા અસામાજિક તત્વોને જડમૂળથી ઉખેડી શકાય છે.
જો તમે પણ તમારા આસપાસના વિસ્તારમાં કોઈ લુખ્ખા તત્વોને જોતા હોવ અથવા તેમના દ્વારા કોઈ હેરાનગતિનો અનુભવ કરતા હોવ, તો નિઃસંકોચ આ હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધાવી શકો છો. તમારી ઓળખ ગુપ્ત રાખવામાં આવશે અને તમારી ફરિયાદ પર ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે.
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શરૂ કરવામાં આવેલી આ વિશેષ જુબેશ સમાજમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદૃઢ કરવામાં મદદરૂપ સાબિત થશે. જાગૃત નાગરિકોના સહયોગથી ભયમુક્ત સમાજનું નિર્માણ શક્ય બનશે.
નોંધનીય છે કે, ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે એક મહત્વપૂર્ણ નિવેદનમાં જણાવ્યું હતું કે જે પોલીસ અધિકારીઓ લુખ્ખા અને અસામાજિક તત્વો સાથે સંબંધ રાખશે તેમની નોકરી જશે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે રાજ્ય સરકાર આવા તત્વોને કોઈપણ ભોગે બક્ષશે નહીં અને તેમની સાથે સાંઠગાંઠ ધરાવતા પોલીસ કર્મચારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યમાં અસામાજિક તત્વોની તપાસ અલગ અલગ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે. તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે જો કોઈ પોલીસવાળો આવા તત્વો સાથે બેસતો-ઊઠતો જણાશે અથવા તેમની સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક રાખતો હશે તો તેને તાત્કાલિક નોકરીમાંથી બરતરફ કરવામાં આવશે.
આ ઉપરાંત, વારંવાર આતંક મચાવનારા લોકો સામે પગલાં લેવામાં નિષ્ફળ રહેનાર સ્થાનિક પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.