સાઉથ મુંબઈમાં રહેતા કર્મેન્દ્ર મીનાવાલાની ડાયટિંગ જર્ની કમાલની રહી છે. આમ તો તેમણે ઘણી વાર વેઇટ ઓછું કરવાના પ્રયાસો માટે ડાયટિંગ શરૂ કર્યું પણ દર વખતે એક યા બીજા કારણે એમાં બ્રેક લાગી જતી.
જોકે પોતાનાં બાળકો સાથે ફૉરેન ટ્રિપ પર 130 કિલોના વજન સાથે ચાલવામાં તકલીફ પડશે એ વિચારીને શરૂ કરેલી ડાયટિંગ યાત્રા લેખે લાગી. ત્રણ વર્ષમાં 78 કિલો પર પહોંચેલા કર્મેન્દ્રભાઈનું રૂટીન શું છે, સવાર-સાંજ શું ખાય છે અને કયો ફન્ડા વજન ઘટાડવામાં કામ લાગ્યો એ જાણવું પ્રેરણાદાયી રહેશે

સાઉથ મુંબઈમાં રહેતાં રચના કર્મેન્દ્ર મીનાવાલાને આજ સુધીમાં આઠથી દસ જણ પૂછી ચૂક્યા છે કે આર યુ શ્યૉર, આ જ તારા હસબન્ડ છે? અને દરેક વખતે હસતાં-હસતાં રચનાએ જવાબમાં હામી ભરી છે. પણ અંદરખાને તેમને પોતાને પણ જ્યારે તે પતિદેવને જુએ ત્યારે મનમાં વિચાર ઝબકી જાય છે કે ખરેખર, મેં આ જ વ્યક્તિ સાથે લગ્ન કર્યાં હતાંને? આમાં દોષ રચનાનો નથી, જ્વેલરી બિઝનેસ સાથે સંકળાયેલા કર્મેન્દ્ર મીનાવાલાનું ટ્રાન્સફૉર્મેશન જ કંઈક એવું છે કે ભલભલા ગોથું ખાઈ જાય. કર્મેન્દ્રભાઈ પોતે પણ પોતાને અરીસામાં શરૂઆતમાં ઓળખી નહોતા શકતા. જોકે અહીં વાત માત્ર દેખાવની જ નહીં પણ વ્યવહારની પણ છે. ખાવા માટે જ જીવતા અને સ્વાદની વાત આવે ત્યારે કૅલરી અને હેલ્થને રફેદફે કરી દેનારા કર્મેન્દ્રભાઈનું અત્યારે ડાયટ રૂટીન જાણશો તો દંગ રહી જશો. ૧૩૦ કિલોના આ ભાઈ ત્રણ વર્ષમાં ૭૮ કિલોના કેવી રીતે થયા અને છેલ્લાં બે વર્ષથી પોતાના વજનને કઈ રીતે મેઇન્ટેન કરી રહ્યા છે એ વાતો જેટલી ફૅસિનેટિંગ છે એટલી જ ઇન્સ્પાયરિંગ પણ છે….
જન્મથી જ વજનદાર
બાળપણથી જ ચબી કિડ રહેલા કર્મેન્દ્રભાઈનાં મમ્મીએ તેમને ક્યારેય અત્યાર જેટલા પાતળા નથી જોયા. તેમના માટે પણ તેમના દીકરાનું આજનું વજન અજુબા જેવી ઘટના છે. કર્મેન્દ્રભાઈ કહે છે, ‘હું પહેલેથી જ ગોળમટોળ ગણપતિબાપ્પા જેવો રહ્યો છું. નાનપણમાં ગોલુપોલુ હોવાથી બધાનો ખૂબ પ્રેમ અને લાડ પણ મળ્યાં. બધા જ ક્યુટ-ક્યુટ કહીને રમાડતા.
જોકે નવમા-દસમા સ્ટાન્ડર્ડમાં ફીલ થયું કે વજન થોડુંક ઓછું હોય તો વધુ હૅન્ડસમ લાગીશ. જોકે એના માટે ખાવા પર કન્ટ્રોલ કરવો પડે. એકાદ-બે દિવસ ઠીક છે પણ એનાથી લાંબું ન ખેંચાય. બહારનું જ ખાવાનું ભાવે. જીવનમાં ખૂબ જન્ક ફૂડ ખાધું છે. પચીસ વર્ષે લગ્ન થયાં ત્યારે પણ મારું વજન 130 કિલો હતું.
મારી વાઇફ મારી બાળપણથી સ્વીટહાર્ટ હતી. લગભગ એકવીસ વર્ષ સાથે રહ્યા પછી અમે લગ્ન કર્યાં એટલે તમે અનુમાન લગાવી શકો કે બાળપણની પણ કઈ ઉંમરમાં એકબીજાને મળ્યાં હોઈશું. થૅન્કફુલી, મારી વાઇફને મારા માટે પુષ્કળ પ્રેમ હતો અને છે એટલે મારું વજન તેને માટે ગૌણ હતું. ઇન ફૅક્ટ, તેણે તો મને વેઇટલૉસ કરવા માટેનું ક્યારેય પ્રેશર પણ નથી આપ્યું.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
બાળપણથી વર્ષો સુધી ગ્રીન વેજિટેબલ્સમાં માત્ર એક જ શાક ખાધું છે અને એ છે ફણસીનું શાક. એ સિવાય ક્યારેક બટેટાનું શાક. એ સિવાયનાં શાક મને ભાવતાં નહોતાં અને એ ખાવામાં કોઈ રસ પણ નહોતો. એ સિવાય પીત્ઝા, પાસ્તા, આઇસક્રીમ, ચૉકલેટ પર જીવન ચાલતું. મને યાદ છે કે બાળપણમાં અમારા ઘરના મહારાજ ચૂરમું બનાવતા અને હું મોટો બાઉલ ભરીને ચૂરમું ખાતો. મારું ભોજન જ ચૂરમાનું હોય.’
પ્રયાસો પહેલાં પણ કર્યા
આગળ કહ્યું એમ કૉલેજકાળમાં સારાં કપડાં પહેરી શકાય એ માટે વજન ઘટાડવાના પ્રયાસો કર્મેન્દ્રભાઈએ કર્યા હતા. તેઓ કહે છે, ‘કૉલેજના લગભગ સેકન્ડ યરમાં હતો અને એ ડાયટિશ્યનને મળીને ડાયટ પ્લાન ફૉલો કર્યો હતો.
એક વર્ષમાં વીસ કિલો વજન ઘટી ગયું હતું એટલે હું રાજીનો રેડ થઈને ફરવા માંડ્યો. જોકે એને મેઇન્ટેન કરવું પડે અને એમાં ગોથું ખાઈ ગયો. એ પછી વજન હતું એના કરતાં વધારે વધી ગયું. એક વાર તમે હેલ્થ કે ફિટનેસની જર્નીમાં બ્રેક મારો એટલે એને ફરી શરૂ કરવામાં દમ નીકળી જતો હોય છે. મારી સાથે પણ એવું જ થયું હતું.
લગ્ન પછી બાળકો થયાં ત્યારે પણ મુંબઈના બે-ત્રણ ટૉપ ડાયટિશ્યનને મળીને વેઇટલૉસની કોશિશ કરી, પણ કંઈ વળ્યું નહીં. પ્રૉબ્લેમ એવો હતો કે મારી સાઇઝનાં કપડાં અહીં નહોતાં મળતાં. હું ખાસ શૉપિંગ કરવા માટે ફૉરેન જતો અને મારા રિલેટિવ્સ અમેરિકાથી આવતા તો તેમની પાસે કપડાં મગાવતો.
જીન્સમાં 44ની કમર અને ટ્રાઉઝરમાં 46ની કમર હતી. ટૉપના ડાયટિશ્યનના કડવા અનુભવો પણ થયા. મારા અનુભવોથી એક વાત સારી રીતે સમજાઈ કે દરેકના શરીરનું બંધારણ જુદું-જુદું હોય છે અને દરેક માટે એક જ ફૉર્મ્યુલા લગાવીને આગળ વધો તો ક્યારેય સક્સેસ ન મળે.’
બાળકો સાથે ફરવાનું પૅશન બન્યું મોટિવેશન
આટલા વેઇટ સાથે પણ કર્મેન્દ્રભાઈ સ્પોર્ટ્સમાં ઍક્ટિવ હતા. ટેબલટેનિસ, કરાટે, સાઇક્લિંગમાં તેઓ આગળ પડતા હતા. કર્મેન્દ્રભાઈ કહે છે, ‘સ્પોર્ટ્સમાં છેલ્લે-છેલ્લે એવું થયું હતું કે ની પેઇન શરૂ થયું હોય. ડૉક્ટરોએ વજન ઘટાડવા કહ્યું અથવા રમવાનું બંધ કરવાનું કહ્યું.
મેં છ મહિના રમવાનું બંધ કર્યું અને મારો દુખાવો જતો રહ્યો. મારા માટે સ્પોર્ટ્સ વજન ઘટાડવાનું મોટિવેશન નહોતું. મારાં બન્ને બાળકો ઇન ફૅક્ટ એ મોટિવેશન બન્યાં. એમાં થયું એવું કે અમારે સપરિવાર અમેરિકા એક લગ્ન માટે જવાનું હતું અને સાથે જ ફરવાનો પ્લાન પણ બનાવ્યો હતો.
હવે બહારના કન્ટ્રીમાં ફરવા જઈએ તો ચાલવું ખૂબ પડે. મેં નાનપણમાં જોયું હતું કે મારાં મમ્મી ફરવા જઈએ ત્યારે એક જગ્યાએ બેસી જતાં અને અમને કહેતાં કે જાઓ તમે ફરી આવો, હું અહીં બેઠી છું. સાચું કહું તો હું મારાં બાળકો સાથે ફરવા જાઉં તો મારે સતત તેમની સાથે રહેવું હતું.
થાકી જવાને કારણે હું બેસી જાઉં અને હું એકલો એક જગ્યાએ બેઠો રહું એ મારે નહોતું જોઈતું એટલે મેં વેઇટ ઘટાડવાનું નક્કી કર્યું. 2019ના ફેબ્રુઆરીમાં શરૂ કર્યું અને ડિસેમ્બર સુધીમાં દસ કિલો વજન ઘટી ગયું. એ પછી કોવિડ આવ્યો એટલે ઘરમાં ને ઘરમાં એ ડાયટ જર્ની કન્ટિન્યુ રહી. એ પછી લગભગ ચાર મહિના કોઈ જ વજન ન ઘટ્યું.
જોકે આ વખતે મનમાં અડગ નિર્ણય હતો કે ભલે રિઝલ્ટ ન આવે, હું છોડીશ નહીં. એ પછી ધીમે-ધીમે એક મહિનામાં ચાર કિલો એમ વજન ઘટવાનો દોર ચાલુ રહ્યો. 128 કિલોમાંથી 73 કિલો પર પહોંચી ગયો. કોવિડ પત્યા પછી પહેલી વાર બહાર નીકળ્યો અને ફ્રેન્ડ્સને મળ્યો તો કોઈ મને ઓળખી નહોતું શકતું.
સડન્લી મારી ઉંમર ઘટી ગઈ અને આખો લુક ચેન્જ થઈ ગયો. મારી વાઇફ માટે પણ આ સરપ્રાઇઝ હતી. તેણે મને આટલો પાતળો જોયો નહોતો. આ વખતની ખાસ વાત એ હતી કે વજન ઘટવાની સાથે મારા રૂટીનમાં કોઈ બદલાવ આવ્યો નહોતો. મારા વૉર્ડરોબનાં એકેએક કપડાં બદલાવા માંડ્યાં. ધીમે-ધીમે ચાર-ચાર જોડી કપડાંની ખરીદી કરીને તમામ નવા ફિટિંગનાં કપડાં મેં ભેગાં કર્યાં.’
છોડવાનો રોમાંચ હોય છે
એક સમયે કીર્તિ કૉલેજ પાસે મળતાં વડાપાંઉનો એટલો ક્રેઝ હતો કે ભરપેટ જમી લીધું હોય છતાં ઉપર પાંચ વડાપાંઉ ખાઈ લેતો. એ વાત યાદ કરતાં કર્મેન્દ્રભાઈ કહે છે, ‘મારા ફાધર-ઇન-લૉને પણ એ વડાપાંઉ બહુ ભાવે. અમે બન્ને લિટરલી લંચ કરીને એ ખાવા જઈએ. અમે સાતથી આઠ વડાપાંઉ લઈએ, જેમાંથી એક વડાપાંઉ મારા ફાધર-ઇન-લૉ ખાય અને બાકીનાં બધાં જ હું એકલો. હું અમેરિકાથી ખાસ અમુક પ્રકારની ચૉકલેટ મગાવતો. રાતે બાર વાગ્યા સુધી અમે મૂવી જોઈએ અને એ જોતાં-જોતાં ઑલમોસ્ટ અડધો કિલો ચૉકલેટ મેં ખાઈ લીધી હોય. એની સામે અત્યારે વાત કરું તો છેલ્લાં ત્રણ વર્ષમાં લાસ્ટ વીક મેં ચૉકલેટ ચાખી છે. એ પણ લેગ ઇન્જરીને કારણે ઘરે બેડ-રેસ્ટ કરી રહ્યો છું તો મનમાં આવ્યું. જોકે હવે તો એ પણ મારા બૉડીને સૂટ નથી કરતી. તરત જ ખબર પડી જાય છે શરીરને કે કંઈક અનહેલ્ધી ખાધું છે. વડાપાંઉ જ નહીં પણ બહારની બીજી એકેય વસ્તુ નથી ખાતો. બહુ રૅરલી બહાર જમવાનું હોય તો એમાં પણ સૂપ, સૅલડ કે જૂસ લેતો હોઉં છું. એક વાર તમને પરિણામ દેખાવા માંડે પછી તમારે કન્ટ્રોલ કરવો નથી પડતો, પણ આપમેળે કન્ટ્રોલ થઈ જાય છે. ઇન ફૅક્ટ, કંઈક પણ અનહેલ્ધી જોઉં એટલે તરત વિચાર આવે કે ત્રીસ વર્ષ આ જ કચરો ખાધો છે, હવે નહીં બસ. સાચું કહું તો એક પૉઇન્ટ પછી કંઈક છોડવાનો રોમાંચ હોય છે.’
પરિવારનો ફુલ સપોર્ટ
કર્મેન્દ્રભાઈની ડાયટિંગની યાત્રામાં મળેલી સફળતાની અસર ઘરના તમામ સભ્યો પર પડી છે. પંદર વર્ષની દીકરી યશ્વી અને દસ વર્ષનો દીકરો રાજવીર પણ હવે હેલ્ધી ખાતાં શીખી ગયાં છે.
કર્મેન્દ્રભાઈની પંદર વર્ષની દીકરી યશ્વી અને દસ વર્ષનો દીકરો રાજવીર પણ હવે હેલ્ધી ખાતાં શીખી ગયાં છે. તેમની વાઇફ રચના કહે છે, ‘મારા હસબન્ડનું વેઇટ વધ્યું હતું તેમની લાઇફસ્ટાઇલને કારણે. તેમને કોઈ હેલ્થ ઇશ્યુઝ નહોતા કે જિનેટિક કારણો નહોતાં. જે હેલ્ધી ડાયટથી તેમને ફાયદો થયો એને અમે લોકો સુધી પહોંચાડવા લૉકડાઉનમાં એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું ચૅટર પ્લૅટર નામનું; જેમાં હું ઘરેથી જ હેલ્ધી સૅલડ, હેલ્ધી લડ્ડુઝ, ફ્રૂટ્સ પ્લૅટર વગેરેના ઑર્ડર લઉં. લૉકડાઉનમાં આવા હેલ્ધી ફૂડ ઑપ્શનની વધારે જરૂર પડી હતી. અમારાં બાળકોને અમે પ્રિઝર્વેટિવવાળું ફૂડ ખાવા નહોતાં દેવા માગતાં એટલે ઘણા હેલ્ધી ઑપ્શન્સ જાતે જ ટ્રાય કર્યા અને પછી એ લોકોને ખવડાવ્યા અને ક્લિક કરી ગયા. અત્યારે એવી સ્થિતિ છે કે તમને અમારા ઘરમાં એકેય જાતનું પૅકેજ્ડ, પ્રોસેસ્ડ કે ફ્રાઇડ ફૂડ નહીં મળે. મારા હસબન્ડ સાથે હવે ઑટોમૅટિકલી ઘરમાં હેલ્ધી ડાયટ તરફ વળી ગયા છીએ. હા, બહાર જમવાનું હોય ત્યારે હું અને અમારાં બાળકો બીજી વસ્તુઓ ખાઈએ પણ મારા હસબન્ડ તો એમાંય છૂટ નથી રાખતા.’
અહીં ઉલ્લેખનીય છે કે લગ્ન થયાં ત્યારે રચનાનું વજન પચાસથી પણ ઓછું હતું અને કર્મેન્દ્રનું વજન ૧૩૦ કિલો હતું. આજે કર્મેન્દ્રભાઈની હાઇટ પ્રમાણે તેમનું વજન ૮૦ કિલો હોય તો ચાલે પણ એના બદલે અત્યારે તેઓ ૭૮ કિલોના થઈ ગયા છે અને એની સામે રચનાબહેનનું વજન વધી ગયું છે.
અત્યારે કર્મેન્દ્ર મીનાવાલાનું રૂટીન શું હોય છે?
સવારે સાત વાગ્યે ઊઠવાનું, એક ગ્લાસ પાણી પીવાનું અને પછી વૉક પર જવાનું. કર્મેન્દ્રભાઈ કહે છે, ‘જીવનમાં ક્યારેય ચા કે કૉફી પીધાં જ નથી એટલે એનું કોઈ વ્યસન નથી. સવારે દૂધ અને એક ઍપલથી મારો બ્રેકફાસ્ટ હોય. એ પછી પિસ્તાલીસ મિનિટ વૉક પર જવાનું. સાડાઅગિયાર વાગ્યે લંચમાં બે રોટલી, શાક, સૅલડ અને એક વાટકી દાળ અને દહીં હોય. તમને કહું કે મેં મારા જીવનમાં ક્યારેય કૅલરી કાઉન્ટ કરીને ખાધું નથી પણ હવે એ ટેવ પડી છે. ભૂખને વધારો એટલી વધે અને ઘટાડો એટલી ઘટે. પહેલાં આઠ વડાપાંઉ પણ ઓછાં હતાં અને હવે બે રોટલી પણ ઇનફ થઈ જાય છે. ધીમે-ધીમે તમે ક્વૉન્ટિટી ઓછી કરો તો તમારું પેટ પણ ઍડ્જસ્ટ થઈ જતું હોય છે. છેલ્લાં ત્રણ વર્ષમાં મને એક વાતની સમજણ આવી ગઈ કે લિક્વિડ અને ફ્રૂટ્સનું પણ પોતાનું મહત્ત્વ છે. નેચરમાં જે છે એને જ જો ખાઈએ તો પણ આપણે ઘણા અંશે હેલ્ધી રહી શકીએ છીએ. ત્રણ વાગ્યે એક વાટકી ફ્રૂટ્સ ખાઉં. સાંજે સાડાપાંચ વાગ્યે જાતે જ સૉતે કરેલું સૅલડ બનાવું અને સાથે સૂપ હોય. વચ્ચે ભૂખ લાગે તો ક્યારેક સેવમમરા ખાઉં છું. રાતે દૂધ પીઉં અને સૂઈ જાઉં. મારી ઊંઘ સુધરી છે. સૂવાના અને ઊઠવાના કલાકો ફિક્સ થઈ ગયા છે. એનર્જી લેવલ તમે કલ્પના ન કરી શકો એટલું વધ્યું છે. અમારા ઘરમાં તમને દરેક જાતનાં ફ્રૂટ્સ મળે.’
આખો ખેલ મગજનો છે, બસ
તમે જ તમારી દુનિયા બનાવો છો. તમે કેવી રીતે ઊઠો છો, સૂઓ છો અને શું ખાઓ છો એના પર તમારું ફ્યુચર બને છે. મારા ત્રણ વર્ષના અનુભવ પરથી સમજાયું કે તમારું શરીર પીત્ઝા, પાસ્તા નથી માગતું; તમારું મન માગે છે. બૉડીને તો પોષકતત્ત્વો જોઈતાં હોય છે. બાકી જે પણ ફૅન્સી ફૂડની ઇચ્છા તમને થાય છે એ તમારા મગજનો ખેલ છે. જો તમે તમારા મગજ પર કાબૂ મૂકી દીધો તો તમારી જીભ પર કન્ટ્રોલ આપોઆપ આવી જશે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.