ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC)એ ST ના માસિક અને ત્રિમાસિક પાસના ભાડામાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ 15 દિવસના ભાડામાં 30 દિવસની મુસાફરીની યોજના હતી જેમાં હવે સુધારો કરીને 18 દિવસનું ભાડું ચૂકવી 30 દિવસની મુસાફરીનો પાસ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અગાઉ જે 45 દિવસના ભાડામાં 90 દિવસની મુસાફરીનો પાસ મળતો હતો જે હવે 36 દિવસનું ભાડું ચૂકવીને 60 દિવસની મુસાફરીનો પાસ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 45 દિવસના ભાડામાં 90 દિવસની મુસાફરીની યોજના બંધ કરવામા આવી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં એસ.ટી. મુસાફરી પાસ એ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા પૂરી પાડવામાં આવતી એક સુવિધા છે, જે નિયમિત મુસાફરોને રાહતદરે મુસાફરીની સુવિધા આપે છે. આ પાસ વિદ્યાર્થીઓ, દૈનિક પ્રવાસીઓ, સિનિયર સિટિઝન્સ, અને અન્ય ચોક્કસ શ્રેણીના લોકો માટે ઉપલબ્ધ હોય છે.
પરિપત્ર મુજબ, નિગમની લોકલ,એકસપ્રેસ,ગુર્જરનગરી,લકઝરી,શહેરી સર્વિસમાં રોજીંદી મુસાફરી કરતા મુસાફરોને પ્રવર્તમાન બસ ભાડામાં રાહત આપતા માસિક / ત્રિમાસિક પાસ આપવાની સુવિધા “15 દિવસનું ભાડું વસુલ કરી, 30 દિવસની મુસાફરી કરો” તથા “45 દિવસનું ભાડું ચૂકવી, 90 દિવસની મુસાફરી કરો” યોજના અંગેની સુચનાઓ અમલમાં છે.
નિગમની બસોમાં હાલમાં વધી રહેલા ભારણ અને વધતા સંચાલકીય ખર્ચને ધ્યાનમાં લઇને માસિક / ત્રિમાસિક પાસ યોજનામાં આંશિક સુધારો કરવાનો નિગમના સંચાલક મંડળની બેઠકમાં નિર્ણય કરાયો હતો.
બેઠકમાં 18 દિવસનું ભાડું વસુલ કરી, 30 દિવસની મુસાફરી કરો તથા 36 દિવસનું ભાડું વસુલ કરી, 60 દિવસની મુસાફરી કરો યોજના અમલમાં મુકવા સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો.
આ યોજના હેઠળના લાભાર્થી-પાસધારક નિગમની ગ્રામીણ-શહેરી વિસ્તારમાં સંચાલિત લોકલ, શહેરી, એક્સપ્રેસ, ગુર્જરનગરી, ઈન્ટરસિટી, લક્ઝરી, મેટ્રો લિંક બસ સર્વિસના જે પાસ હશે તેમાં તથા તેનાથી નીચા ભાડાની સર્વિસમાં મુસાફરી કરી શકશે પરંતુ તેનાથી ઊંચા ભાડાની સર્વિસમાં મુસાફરી કરી શકશે નહીં.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
પ્રત્યેક નવા આઇકાર્ડ દીઠ મુસાફર પાસેથી 20 રૂપિયા વસૂલવામાં આવશે. નવા આઇડી કાર્ડની સાત વર્ષની મુદ્દત રહેશે. ભવિષ્યમાં ડિઝિટલી સ્માર્ટ કાર્ડ યોજના અનુસાર જે ચાર્જ નક્કી થાય તે વસુલાત કરવાનો રહેશે.
ઈસ્યુ કરેલ વેલીડ આઇકાર્ડ ગુમ થઇ જાય કે ફાટી જાય કે વાંચવા લાયક ન રહે વગેરે જેવી સ્થિતિમાં મુસાફરને નવું આઇકાર્ડ સાત વર્ષની મુદ્દત માટે ઈસ્યુ કરવાનું રહેશે. સદર નવા કાર્ડ દીઠ મુસાફર પાસેથી 20 રૂપિયા વસૂલ કરવાના રહેશે.