ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા એક ભવ્ય સમારોહમાં, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ગ્રામ પંચાયતોના નવા ચૂંટાયેલા સરપંચો અને સદસ્યોનું અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી એ ગામડાઓમાં સ્વચ્છતાનું સ્તર સુધારવા માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.

તેમણે જણાવ્યું કે, ગ્રામીણ વિસ્તારોમાં ગામની સ્વચ્છતા માટે વ્યક્તિ દીઠ માસિક ₹4ની ફાળવણી વધારીને બમણી, એટલે કે ₹8 કરવામાં આવશે. આ નિર્ણયથી ગામડાઓમાં સ્વચ્છતા અભિયાનને વધુ વેગ મળશે અને ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ના સંકલ્પને સાકાર કરવામાં મદદ મળશે.
સમરસ ગામોને પ્રોત્સાહન અને વિકાસ ભંડોળ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘આપણું ગામ આપણું ગૌરવ’ના મંત્ર સાથે સરપંચોને ગામના વિકાસ કાર્યોના પિલ્લર બનવા આહ્વાન કર્યું હતું. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગ્રામ સ્વરાજ્ય અને આત્મનિર્ભરતાના વિઝનની પ્રશંસા કરી હતી, જેણે પંચાયતોને વધુ સત્તા અને ભંડોળ આપીને પંચાયતી રાજને મજબૂત બનાવ્યું છે.
આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં રેકોર્ડબ્રેક ૭૬૧ ગ્રામ પંચાયતો સમરસ થઈ હતી. આ સમરસ ગ્રામ પંચાયતોને પ્રોત્સાહક ગ્રાન્ટ પેટે કુલ ₹35 કરોડ સીધા લાભ હસ્તાંતરણ (DBT) દ્વારા ફાળવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, પંચાયત અને ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓ માટે કુલ ₹1236 કરોડની ગ્રાન્ટ ફાળવણી પણ કરવામાં આવી હતી, જે દર્શાવે છે કે રાજ્ય સરકાર ગામડાઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે.
વિકસિત ગામથી વિકસિત ગુજરાતનો સંકલ્પ
કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલે નવનિયુક્ત સરપંચોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે ગામનો સર્વાંગી વિકાસ અને ગામમાં લોકશાહી કાર્યપ્રણાલીનું સંરક્ષણ એ દરેક સરપંચની નૈતિક ફરજ છે. તેમણે સરપંચને ગામના મુખ્યમંત્રી ગણાવ્યા અને કહ્યું કે જેમ રાજ્યની જવાબદારી મુખ્યમંત્રીની હોય છે, તેમ ગામને સમૃદ્ધ બનાવવાની જવાબદારી સરપંચની છે.
પાટીલે ગામડાઓમાં સ્વચ્છતા, જલ જીવન મિશન અને જળસંચય અભિયાનને વેગ આપવા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે માહિતી આપી કે વડાપ્રધાનના નેતૃત્વમાં દેશના ૬૦ કરોડ નાગરિકો શૌચાલયનો ઉપયોગ કરતા થયા છે અને જલ જીવન મિશન હેઠળ દેશના ૧૫.૬૫ કરોડથી વધુ ઘરોમાં નળથી જળ પહોંચાડવામાં આવ્યું છે. ૨૦૨૮ સુધીમાં વધુ ૪ કરોડ ઘરોમાં પાણી પહોંચાડવાનું લક્ષ્ય છે.
ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ‘સુવિધા શહેરની અને આત્મા ગામડાનો’ના સંકલ્પને સાકાર કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે. તેમણે ગ્રામ વિકાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છતા અભિયાન, મનરેગા, ઈ-ગ્રામ વિશ્વ ગ્રામ જેવી અનેક લોકકલ્યાણકારી યોજનાઓના સફળ અમલીકરણથી ગામડાઓ સુવિધાસભર બન્યા હોવાનું જણાવ્યું હતું.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
આ કાર્યક્રમમાં સમરસ થયેલી ગ્રામ પંચાયતોના સરપંચોને અને વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરતી ગ્રામ પંચાયતોના સરપંચોને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય સચિવ પંકજ જોષી, પંચાયત વિભાગના અગ્ર સચિવ મિલિંદ તોરવણે સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નવનિર્વાચિત સરપંચો-સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.