જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ક્રેડિટ કાર્ડ (SBI કાર્ડ)ના યુઝર છો, તો તમારા માટે ખરાબ સમાચાર છે. હવે વીજળી, ગેસ, પાણી જેવા યુટિલિટી બિલ ચૂકવવા માટે SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે સાવધાન રહેવાની જરૂર છે.
SBIએ ક્રેડિટ કાર્ડના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. આ નિયમો 1 નવેમ્બર, 2024થી લાગુ થઈ ગયા છે.
તાજેતરમાં, બેંકે ક્રેડિટ કાર્ડ દ્વારા યુટિલિટી બિલની ચુકવણી પર 1 ટકા વધારાનો ચાર્જ લાદવાની જાહેરાત કરી હતી, જે હવે 1 નવેમ્બર, 2024થી અમલમાં આવી છે.

આ પહેલા પણ ઘણી બેંકો અને કાર્ડ કંપનીઓએ એક નિશ્ચિત મર્યાદા બાદ યુટિલિટી બિલ પેમેન્ટ પર 1 ટકા વસૂલવાનું શરૂ કર્યું છે.
SBI 50 હજાર રૂપિયાથી વધુ યુટિલિટી બિલની ચુકવણી પર સરચાર્જ વસૂલશે
SBI ક્રેડિટ કાર્ડ દ્વારા એક સ્ટેટમેન્ટ સાયકલમાં રૂ. 50,000 થી વધુના યુટિલિટી બિલની ચૂકવણી પર 1% નો વધારાનો ચાર્જ શરૂ થયો છે.
જો કે, 50 હજાર રૂપિયાથી નીચેના યુટિલિટી બિલ પેમેન્ટ પર કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં.
ફાયનાન્સ ચાર્જના નિયમો બદલાયા છે
યુટિલિટી બિલ પેમેન્ટના નિયમો ઉપરાંત SBIએ ફાઇનાન્સ ચાર્જિસમાં પણ ફેરફાર કર્યો છે.
શૌર્ય/ડિફેન્સ ક્રેડિટ કાર્ડ સિવાયના તમામ અસુરક્ષિત ક્રેડિટ કાર્ડના ફાઇનાન્સ ચાર્જિસમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
હવે 1 નવેમ્બરથી SBIના અસુરક્ષિત ક્રેડિટ કાર્ડ્સ પર 3.75 ટકા ફાયનાન્સ ચાર્જ વસૂલવામાં આવશે.
અસુરક્ષિત ક્રેડિટ કાર્ડ્સ શું છે?
અમે તમને જણાવી દઈએ કે અસુરક્ષિત ક્રેડિટ કાર્ડ એવા ક્રેડિટ કાર્ડ છે જેના માટે કોઈ સિક્યોરિટી ડિપોઝિટ અથવા કોલેટરલ આપવાની જરૂર નથી, જ્યારે સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડ એવા ક્રેડિટ કાર્ડ છે જે ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના બદલામાં આપવામાં આવે છે.