ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી T20 શ્રેણીની 5મી અને છેલ્લી મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા આ શ્રેણીમાં પહેલાથી જ 3-1ની અજેય સરસાઈ મેળવી ચૂકી છે. સીરીઝમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહેલા સૂર્યકુમાર યાદવ આ મેચમાં એક નહીં પરંતુ બે મોટા રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. કોહલીના બંને રેકોર્ડ નિશાના પર છે. એક એવો રેકોર્ડ છે, જેને તોડીને તે આવું કરનાર ભારતનો સૌથી ઝડપી બેટ્સમેન બની જશે.
ભારતીય T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 2000 રન પૂરા કરનાર બેટ્સમેન વિરાટ કોહલી છે. કોહલીએ 56 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. સૂર્યકુમાર પાસે આ મહાન રેકોર્ડ તોડવાની શાનદાર તક છે. સૂર્યકુમારે 54 ઇનિંગ્સમાં 1980 રન બનાવ્યા છે. જો તે શ્રેણીની છેલ્લી T20Iમાં વધુ 20 રન બનાવશે તો તે 55 ઇનિંગ્સમાં 2000 રન સુધી પહોંચી જશે અને ભારત માટે સૌથી ઝડપી 2000 રન પૂરા કરનાર બેટ્સમેન બની જશે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે. રોહિતે 182 છગ્ગા સાથે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. તે ભારત અને વિશ્વ બંનેમાં નંબર-1 છે. બીજા નંબર પર વિરાટ કોહલી છે, જે ભારત માટે સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન છે.
કોહલીના નામે 117 T20 સિક્સર છે. સૂર્ય આ બાબતમાં તેને વટાવી શકે છે. જો સૂર્યા 6 સિક્સર ફટકારવામાં સફળ થાય છે, તો તે આ ફોર્મેટમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતનો બીજો બેટ્સમેન બની જશે. સૂર્યકુમારના નામે હાલમાં 112 છગ્ગા છે.
સૂર્યકુમાર યાદવ પાસે પણ વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરવાની તક છે. વાસ્તવમાં, T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન રોહિત શર્મા અને ગ્લેન મેક્સવેલ છે. બંને બેટ્સમેનના નામે 4-4 સદી છે. આવી સ્થિતિમાં, જો સૂર્યકુમાર યાદવ છેલ્લી મેચમાં સદી ફટકારવામાં સફળ રહે છે, તો તે રોહિત અને મેક્સવેલ સાથે સંયુક્ત રીતે સૌથી વધુ T20I સદી ફટકારનાર બેટ્સમેન બની જશે. સૂર્યના નામે હાલમાં ત્રણ સદી છે.