વિધાનસભા ગૃહ ખાતે કચ્છ અને અમદાવાદ જિલ્લામાં વ્હાલી દીકરી યોજના અંગે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વતી જવાબ આપતા મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત રાજયની 2.78 લાખથી વધુ દીકરીઓને લાભ અપાશે. જેમાં કચ્છ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 1,120 અરજીઓ મંજુર કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં આ યોજના હેઠળ 7,434 લાભાર્થીઓને સહાય આપવામાં આવી છે.
”રાજ્યની 2.78 લાખથી વધુ દીકરીઓને લાભ અપાશે”
વ્હાલી દીકરી યોજનાના હેતુ વિશે પૂછાયેલા પેટા પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, સમાજમાં દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા, સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવા, ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા, દીકરીઓના સર્વાંગી વિકાસ તથા મહિલા સશક્તિકરણ માટે વર્ષ 2019થી ગુજરાતમાં ‘વ્હાલી દીકરી યોજના’ અમલમાં મુકવામાં આવી છે.

મંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓને રૂ. 1,10,000 ત્રણ હપ્તામાં DBT મારફતે ચૂકવાય છે. વ્હાલી દીકરી યોજના અંતર્ગત ૨ ઓગષ્ટ 2019 પછી પ્રથમ ત્રણ સંતાન પૈકીના તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળે છે.
”પ્રવેશ મેળવે તે સમયે પ્રથમ હપ્તો રૂ. 4000 ચુકવવામાં આવે”
આ ઉપરાંત લાભાર્થી દીકરીના માતા-પિતાની વાર્ષિક આવક ૨ લાખ રૂપિયાથી ઓછી હોય તેઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે. જે અંતર્ગત દીકરી જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે તે સમયે પ્રથમ હપ્તો રૂ. 4000 ચુકવવામાં આવે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
દીકરી જ્યારે નવમાં ધોરણમાં પ્રવેશે ત્યોરે યોજનાનો બીજો હપ્તો રૂ.6000 ચૂકવાય છે. દીકરીની 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ માટે એક લાખ રૂપિયા ત્રીજા હપ્તા તરીકે DBT મારફતે ચૂકવાય છે તેમ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.