પીવા માટે કયું પાણી ઉત્તમ? ઉકાળેલું કે ફિલ્ટર કરેલું? RO ફિલ્ટર્ડ પાણી કેટલું સારું?

WhatsApp Group Join Now

મહારાષ્ટ્રના પૂણેમાં પીવાના પાણી મારફતે ગુલિયાન બારી સિન્ડ્રોમ નામનો રોગ ફેલાયો હોવાના સમાચાર આવ્યા છે. ત્યારે સવાલ એ થાય કે પીવા માટે ક્યું પાણી સલામત છે – નળનું પાણી, ઉકાળેલું પાણી કે આરઓ ફિલ્ટર્ડ પાણી?

પાણીમાં વિવિધ ક્ષાર અને પોષકતત્ત્વો પણ હોય છે જે શરીર માટે જરૂરી છે. આમાંથી ક્યું પાણી સૌથી વધુ શુદ્ધ છે? પોષકતત્ત્વોની દૃષ્ટિએ ક્યું પાણી પીવું વધુ સારું? પીવાના પાણીની ગુણવત્તા કેવી હોવી જોઈએ અને આપણે શું ધ્યાન રાખવું જોઈએ? ચાલો, આ લેખ દ્વારા સમજીએ.

પાણી એટલે H2O. હાઇડ્રોજનના 2 અણુ અને ઑક્સિજનના 1 અણુને જોડીને પાણીનો પરમાણુ બને છે. આવા લાખો અણુઓ ભેગા થઈને પાણીનું એક ટીપું બનાવે છે. પૃથ્વીનો 71 ટકા ભાગ પાણીથી ઢંકાયેલો છે અને તેનો 95.5 ટકા ભાગ સમુદ્ર છે. પૃથ્વી પરના કુલ પાણીમાંથી માત્ર 1 ટકા પાણી પીવાલાયક છે.

માનવ શરીરમાં લગભગ 60-70 ટકા પાણી હોય છે. પાણી શરીરનાં કાર્યોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી આપણે કેવા પ્રકારનું પાણી પીએ છીએ તે પણ મહત્ત્વનું છે.

બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સે (બીઆઈએસ) પાણીની ગુણવત્તા માપવા અને તે પીવા માટે યોગ્ય છે કે નહીં તે નક્કી કરવા માટે લગભગ 60 પરીક્ષણો સૂચવ્યાં છે. તેમને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ડ્રિંકિંગ વૉટર સ્પેસિફિકેશન્સ – 10,500 કહેવામાં આવે છે.

પાણીમાંની અમ્લતા અથવા ક્ષાર એ પીવાના પાણીનું pH છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન અને બીઆઈએસના કહેવા મુજબ, તે પ્રમાણ 6.5 – 8.5ની વચ્ચે હોવું જોઈએ. પાણીમાં વિવિધ ક્ષાર અને પોષક મૂલ્યો હોય છે. તેઓ કેટલા છે તે બરાબર માપવા માટે ટીડીએસ ટેસ્ટ કરવામાં આવે છે.

પાણીમાં ટીડીએસ 100 કરતા ઓછો હોય તો તેનો અર્થ એ કે તેમાં શરીર માટે જરૂરી ક્ષારનો અભાવ છે. પાણીનું ટીડીએસ 500થી વધુ હોય તો તે પાણીને ‘હાર્ડ વૉટર’ કહેવામાં આવે છે. આવું પાણી પીવાલાયક નથી.

બાયકાર્બોનેટ 200 મિલિગ્રામ, કેલ્શિયમ 75 મિલિગ્રામ, મેગ્નેશિયમ 30 મિલિગ્રામ, નાઇટ્રેટ 45 મિલિગ્રામ, આર્સેનિક 0.01 મિલિગ્રામ, કૉપર 0.05 મિલિગ્રામ, ક્લોરાઇડ્સ 250 મિલિગ્રામ, સલ્ફેટ 200 મિલિગ્રામ, ફ્લોરાઇડ 1 મિલિગ્રામ, આયર્ન 0.3 મિલિગ્રામ, મર્ક્યુરી 0.01 મિલિગ્રામ અને ઝીંક 5 મિલિગ્રામ.

પાણીમાં ક્ષારનું પ્રમાણ વધુ હોય તો તેની શરીર પર નકારાત્મક અસર થઈ શકે છે.

  • ફ્લોરાઇડનું પ્રમાણ 1 મિલિગ્રામથી વધુ હોય, તો ડેન્ટલ ફ્લોરોસિસ થવાની શક્યતા રહે છે.
  • વધુ પડતું સોડિયમ બ્લડ પ્રેશરની સમસ્યાનું કારણ બની શકે છે.
  • જો ખેતરોમાં રહેલાં ખાતરોમાંથી નીકળતું નાઈટ્રેટ પીવાના પાણી દ્વારા શરીરમાં પ્રવેશ કરે તો તે લોહીમાં ઑક્સિજનનું પ્રમાણ ઘટાડી શકે છે. શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર અને આંખોની કીકી વાદળી કરી શકે છે. આને ‘બ્લુ બેબી સિન્ડ્રોમ’ કહેવામાં આવે છે. કિડનીની સમસ્યાઓ થઈ શકે છે.
  • પાણીમાં આર્સેનિકનું પ્રમાણ વધુ હોય, તો ત્વચા પર સફેદ ડાઘા દેખાય છે.
  • પાણીમાં કેલ્શિયમનું પ્રમાણ ઓછું હોય તો તે હાડકાં પર અસર કરી શકે છે.
  • એકંદરે ઓછા ટીડીએસનું પાણી પીવાથી નર્વસ સિસ્ટમ પર અસર થઈ શકે છે.
નળનું પાણી:

તળાવો, નદીઓ અને કુવાઓમાંથી પાઇપલાઇન દ્વારા આપણાં ઘરોમાં જે પાણી આવે છે તે ક્લોરિનેટેડ હોય છે, એટલે કે ક્લોરિન મિશ્રિત હોય છે અથવા તેને સપ્લાય કરતા પહેલાં ઓઝોન સાથે ટ્રીટ કરવામાં આવે છે. આ પ્રક્રિયાઓ પાણીની શુદ્ધતા વધારવા માટે કરવામાં આવે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

આવું પાણી પીવું સલામત હોય છે? આ પ્રક્રિયા બધા બૅક્ટેરિયા અને વાયરસનો નાશ કરતી નથી. તેથી ચેપ ફેલાવાની શક્યતા રહે છે. પાઇપલાઇન ઘણીવાર વિવિધ અસ્વચ્છ વિસ્તારોમાંથી પસાર થાય છે અને તે તૂટી જાય અથવા લીક થાય તો પાણી દૂષિત થઈ જાય છે, જે ખતરનાક સાબિત થાય છે.

નદી, કૂવા, બોરવેલનું પાણી:

ઘણીવાર ગામડાંઓ અને શહેરોમાં, કૂવા અથવા બોરવેલના પાણીનો ઉપયોગ પીવા માટે કરવામાં આવે છે. એક જ ગામમાંથી એક જ બાજુએ ગટરો અથવા ડ્રેનેજ લાઇનો વહેતી હોય છે. તેથી ત્યાં રહેલા બૅક્ટેરિયા અને વાયરસ કૂવાના પાણીમાં વધુ માત્રામાં પ્રવેશી શકે છે.

આ કારણે કૂવાનું પાણી માત્ર દૂષિત જ નથી થતું, પરંતુ જમીનમાંથી અનેક પ્રકારના ક્ષાર અને રસાયણો પણ તેમાં ભળી જાય છે. આનાથી અનેક પ્રકારની સમસ્યાઓ કે વિકારો થઈ શકે છે. પેટના રોગો પણ થઈ શકે છે.

“તેથી, જે લોકો કૂવાનાં પાણીનો ઉપયોગ કરે છે તેઓએ તેને ઉકાળીને ઉપયોગ કરવો જોઈએ. તેમણે તેનો એકબીજાના બદલે ઉપયોગ ન કરવો જોઈએ.”

ઉકાળેલું પાણી:

પાણીને ફિલ્ટર કરવાથી કચરો દૂર થાય છે, પરંતુ તેમાં રહેલા વાયરસ અને રસાયણોને ફિલ્ટર કરી શકાતા નથી. આ પાણીને ઉકાળવામાં આવે, એટલે કે 100 ડિગ્રીના બૉઇલિંગ પૉઇન્ટ પર ઉકાળવામાં આવે તો તેમાં રહેલા મોટાભાગના બૅક્ટેરિયા નાશ પામે છે, પરંતુ કેટલાક વાયરસ નાશ પામતા નથી.

અમીબા જેવા એકકોષી જીવોનો નાશ થતો નથી. તેઓ ઊકળતા પાણીમાં પણ ટકી રહે છે. આનાથી ઊલટી, ઝાડા અને પેટના રોગો થઈ શકે છે.

આરઓ-યુવી – ઍક્ટિવેટેડ કાર્બન પાણી:

આ શબ્દો જાહેરાતોમાં સતત સાંભળવા મળે છે. આરઓ એટલે રિવર્સ ઑસ્મોસિસ. આ પ્રક્રિયા પાણીમાં રહેલા બેક્ટેરિયા, વાયરસ, ફૂગ અને ઝેરી તત્ત્વોનો નાશ કરે છે, પરંતુ એ પ્રક્રિયામાં પાણીમાં રહેલા ક્ષાર જેવા પોષક તત્ત્વો પણ દૂર થાય છે.

સક્રિય કાર્બન એ પાણીમાંથી કાર્બનિક રસાયણો દૂર કરવા માટે વપરાતી પ્રક્રિયા છે. સક્રિય કાર્બન ફિલ્ટર પ્રદૂષકો, રાસાયણિક ખાતરોના અંશ તથા પાણીના રંગ અને સ્વાદને અસર કરતા જોખમી રસાયણોને દૂર કરે છે, પરંતુ તેનાથી પાણીમાં રહેલા ખતરનાક સૂક્ષ્‍મ જીવાણુઓનો નાશ થતો નથી.

યુવી પ્રક્રિયામાં અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગ દ્વારા સૂક્ષ્‍મજીવાણુઓ મરી જાય છે પરંતુ પાણીમાં રહેલા રાસાયણિક પ્રદૂષકો દૂર થતા નથી. આ દરેક પ્રક્રિયામાં કેટલીક મર્યાદાઓ હોવાથી ઘણા ફિલ્ટર્સમાં આરઓ – ઍક્ટિવેટેડ કાર્બન અને પછી અલ્ટ્રા વાયોલેટ એમ ત્રણેય પ્રક્રિયા કરવામાં આવે છે:

આવું પાણી શુદ્ધ હોય છે, પણ તેમાં કોઈ પોષક મૂલ્ય હોતું નથી. એ ઉપરાંત આવા ફિલ્ટર્સમાંથી ફેંકવામાં આવતા બિન-પીવાલાયક પાણીનું પ્રમાણ પણ વધારે છે. વળી તમે જે ફિલ્ટર્સનો ઉપયોગ કરો છો તેને સમયાંતરે સાફ કરવાનું અને તેની જાળવણી મહત્ત્વપૂર્ણ છે.

આ વિશે વાત કરતાં ડૉ. અવિનાશ ભોંડવે કહે છે, “ઘણાં ઘરોમાં આરઓ પાણીનો ઉપયોગ થાય છે. ઘણી જગ્યાએ વ્યાપારી ધોરણે વેચાતા આરઓ પાણીને મોટી બૉટલોમાં ભરીને ઉપયોગમાં લેવાય છે.”

આરઓ ફિલ્ટરમાં પાણી શક્ય તેટલું શુદ્ધ હોય છે. તે ઘણા પ્રકારના બેક્ટેરિયા અને વાયરસનો નાશ કરે છે, પરંતુ કેટલાક વાયરસ આમાંથી પણ આવી શકે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આરઓ શરીર માટે જરૂરી પાણીમાંથી વિવિધ પ્રકારના ક્ષાર અને ખનિજોને દૂર કરે છે.

“તેથી, આપણા શરીરમાં જરૂરી ક્ષારની ઊણપથી હાથપગમાં નિષ્ક્રિયતા, ચાલવાની શક્તિના અભાવ અને ચક્કર આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.”

બૉટલ્ડ પાણી:

જે પાણી આરઓ અને અન્ય ફિલ્ટરેશન પ્રક્રિયાઓમાંથી પસાર થયું છે તે બોટલોમાં વેચાય છે. આ પાણીમાં ‘ખનિજ તત્ત્વો ઉમેરવામાં આવ્યાં છે’ એવું ઘણીવાર પાણીની બૉટલનાં લેબલ પર લખેલું હોય છે. આના કારણે બૉટલબંધ પાણીનો સ્વાદ બ્રાન્ડના આધારે બદલાતો હોય છે.

આવું પાણી ખરીદતી વખતે, તેને ક્યાં પ્રોસેસ કરવામાં આવ્યું હતું, ક્યારે પ્રોસેસ કરવામાં આવ્યું હતું, તેમાં ક્ષારનું પ્રમાણ કેટલું છે અને પાણીની બૉટલ કયા પ્રકારના પ્લાસ્ટિકથી બનેલી છે તે બધાં મહત્ત્વપૂર્ણ પરિબળો છે. એ યાદ રાખવું અગત્યનું છે કે બોટલબંધ પાણીની ઍક્સપાયરી ડેટ હોય છે.

નિસ્યંદિત (ડિસ્ટિલ્ડ) પાણી:

આ પ્રક્રિયામાં પાણી ઉકાળવામાં આવે છે અને તેની વરાળ એકત્રિત કરવામાં આવે છે. તે ઠંડી થાય ત્યારે ફરીથી પાણી બની જાય છે. આ નિસ્યંદિત અને સૌથી શુદ્ધ પાણી છે. અલબત, આ પાણીમાં કોઈ વિટામિન કે ક્ષાર હોતા નથી. તેથી આ પાણીમાં કોઈ પોષણ મૂલ્ય હોતું નથી. આ પાણીનો ઉપયોગ મોટાભાગે પ્રયોગશાળાઓ અને ઉદ્યોગોમાં થાય છે.

ડૉ. અવિનાશ ભોંડવે કહે છે, “હવે પાણીમાં પ્રદૂષણ એટલું વધી ગયું છે કે કોઈ પણ શુદ્ધતાની કોઈ પણ પ્રક્રિયા પાણીમાં રહેલા બેક્ટેરિયા, વાયરસ અને રસાયણોનો નાશ કરી શકતી નથી.”

તેથી, આપણા સ્વાસ્થ્ય માટે પાણી ઉકાળીને ફિલ્ટર કરવું અને પીવું ખૂબ જ જરૂરી છે. આ સૌથી મહત્ત્વપૂર્ણ વિકલ્પ છે. “શક્ય હોય તો તમે સારી ગુણવત્તાવાળા ફિલ્ટરનો ઉપયોગ ચોક્કસ કરી શકો છો.” કેટલીક સરળ બાબતો ધ્યાનમાં રાખીને તમે સુનિશ્ચિત કરી શકો છો કે તમે જે પાણી પીઓ છો તે શુદ્ધ છે કે નહીં.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment