વિધવા સહાય યોજના: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના બજેટમાં જંગી વધારો…

WhatsApp Group Join Now

Ganga Swarupa Scheme: ગુજરાત સરકાર રાજ્યની વિધવા મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા અને તેમને ગૌરવપૂર્ણ જીવન જીવવામાં મદદરૂપ થવા માટે સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ચાલી રહેલી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

આ યોજના હેઠળ વધુને વધુ વિધવા મહિલાઓને લાભ મળી શકે તે માટે રાજ્ય સરકારે વર્ષ 2025-26ના બજેટમાં ગત વર્ષની સરખામણીએ જંગી ₹700 કરોડનો વધારો કર્યો છે. હવે આ યોજના માટે કુલ ₹3015 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

વર્ષ 2024-25માં પણ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ 16 લાખ 49 હજારથી વધુ વિધવા મહિલાઓને ₹2164.64 કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. આ આંકડા ગુજરાત સરકારની મહિલા સશક્તિકરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને સ્પષ્ટપણે દર્શાવે છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વીમેન લેડ ડેવલપમેન્ટ’ના મંત્રને સાકાર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવનાર ડાંગ જિલ્લાના દેવ્યાનીબેન પાડવીએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું હતું કે તેમના પતિનું અવસાન જુલાઈ 2021માં થયું હતું. ત્યારબાદ તેમને આ યોજના વિશે જાણ થઈ અને હવે તેમને દર મહિને ₹1250ની સહાય મળે છે, જે તેમના ઘરખર્ચમાં ઘણી મદદ કરે છે. તેમણે આ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગનો આભાર માન્યો હતો.

પાટણના રહેવાસી હિનાબેન પટેલ અને નિકિતાબેન પ્રજાપતિએ પણ આ યોજનાને તેમના જીવન માટે આશાનું કિરણ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ યોજના દ્વારા મળતી સહાયથી તેમને માત્ર ઘરખર્ચમાં જ નહીં, પરંતુ તેમના બાળકોના શિક્ષણમાં પણ ઘણી મદદ મળે છે અને આ માટે તેઓ ગુજરાત સરકારના આભારી છે.

ગુજરાત સરકારે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના માટેના બજેટમાં ઉત્તરોત્તર વધારો કરીને વિધવા મહિલાઓ પ્રત્યે પોતાની સંવેદનશીલતા દર્શાવી છે.

વર્ષ 2020-21માં આ યોજના માટેનું બજેટ ₹549.74 કરોડ હતું, જે વર્ષ 2025-26માં લગભગ 500% વધીને ₹3015 કરોડ સુધી પહોંચ્યું છે. આ ઉપરાંત, છેલ્લા પાંચ વર્ષોમાં આ યોજનાના લાભાર્થીઓની સંખ્યામાં પણ સતત વધારો થયો છે, જે નીચે મુજબ છે:

નાણાંકીય વર્ષબજેટ જોગવાઈ (કરોડમાં)ખર્ચ ( કરોડમાં)લાભાર્થીઓની સંખ્યા
2020-21549.741313.388.16 લાખ
2021-22753.471768.8611.61 લાખ
2022-23917.022156.2913.62 લાખ
2023-241981.762297.4314.97 લાખ
2024-25 (ફેબ્રુ-25)2362.672164.6416.49 લાખ

રાજ્ય સરકારે વર્ષ 2019માં આ યોજના હેઠળ વિધવા મહિલાઓને આપવામાં આવતી માસિક આર્થિક સહાયની રકમ વધારીને ₹1250 કરી હતી અને આ રકમ સીધી તેમના બેંક ખાતામાં (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર – DBT) જમા કરાવવાનો નિર્ણય કર્યો હતો.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

આ ઉપરાંત, અગાઉ વિધવા મહિલાનો પુત્ર 21 વર્ષનો થતાં સહાય બંધ કરવામાં આવતી હતી, પરંતુ હવે આ નિયમ રદ કરીને મહિલાઓને આજીવન આ યોજનાનો લાભ મળે છે.

સરકારે ગ્રામીણ વિસ્તારની મહિલાઓ માટે વાર્ષિક આવક મર્યાદા ₹47,000થી વધારીને ₹1,20,000 અને શહેરી વિસ્તારની મહિલાઓ માટે ₹68,000થી વધારીને ₹1,50,000 કરી છે. આને કારણે યોજનાના લાભાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2018-19માં આ યોજનાના માત્ર 1.64 લાખ લાભાર્થીઓ હતા, જે ફેબ્રુઆરી-2025 સુધીમાં વધીને 16.49 લાખ સુધી પહોંચી ગયા છે.

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના દ્વારા ગુજરાત સરકારે વિધવા મહિલાઓ માટે આર્થિક સુરક્ષા અને ગરિમાપૂર્ણ જીવન સુનિશ્ચિત કર્યું છે. આ કલ્યાણકારી પહેલને વધુ વિસ્તૃત કરીને ગુજરાત સમગ્ર ભારતમાં મહિલા સશક્તિકરણ અને સમાનતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.

WhatsApp Group Join Now

Leave a Comment