Heart Attack Sign: આજની વ્યસ્ત જીવનશૈલીમાં હાર્ટ એટેક એક મોટી સમસ્યા બની ગઈ છે. ખાસ કરીને કોવિડ કાળ બાદ માત્ર વયસ્કો જ નહીં, પરંતુ યુવાનોથી માંડીને સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ઢળી પડે છે. ઓચિંતા હ્રદય રોગનો હુમલો આવવો અને બચવા માટે સમય પણ ના મળવો, આ આ સાયલન્ટ કિલર બીમારીની ભયનાક સચ્ચાઈ છે.
જો કે આપણને શરીર દ્વારા આપવામાં આવતા સંકેતોને સમયસર સમજી લઈએ અને સારવાર મેળવી લઈએ, તો આપણો જીવ બચી શકે છે.

આયુર્વેદ અને મેડિકલ સાયન્સ બન્નેનું માનવું છે કે, હાર્ટ એટેક કોઈ દિવસ અચાનક નથી આવતો, પરંતુ શરીર મહિના પહેલા જ કેટલાક સંકેતો આપવાનું શરૂ કરી દે છે. જો કે સૌથી મોટી સમસ્યા એ છે કે, આપણે આ સંકેતોને સાધારણ સમજીને નજરઅંદાજ કરી દઈએ છીએ.
જો તમને અથવા તમારા કોઈ મિત્ર કે સ્નેહીજનોમાં આ 8 સંકેત જોવા મળે, તો તેને ઈગ્નોર કરવાની ભૂલ ક્યારેય ના કરશો અને તાત્કાલિક તબીબની સલાહ લેવી જોઈએ, કારણ કે સમયસર ભરવામાં આવેલું એક પગલું તમારી જિંદગી બચાવી શકે છે. તો ચાલો આજે જણાવીએ કે, હાર્ટ એટેક પહેલા શરીર ક્યા સંકેતો આપે છે.
છાતીમાં સામાન્ય દુખાવો
જો આપને છાતીમાં વારંવાર સામાન્ય દુખાવો ઉપડતો હોય, છાતી ભારે લાગતી હોય અથવા બળતરા થતી હોય, તો તેને ગેસના કારણે થતું હોવાનું ના સમજશો. હાર્ટ એટેક પહેલા હ્રદયની ધમનીઓ ધીમે-ધીમે બ્લૉક થવા લાગે છે. જેના પરિણામે છાતીમાં દુખાવો ઉપડે છે.
ઘણી વખત આ દુખાવો ખભા, જડબા અને વ્યક્તિની પીઠ સુધી પણ ફેલાઈ શકે છે. જો તમને પણ આવા કોઈ લક્ષણો જણાય, તો તાત્કાલિક ECG કે અન્ય હાર્ટ ચેકઅપ કરાવવું જોઈએ.
સતત થાકનો અહેસાસ
જો તમને કોઈ કામ વિના થાકનો અહેસાસ થતો હોય, સવારે ઉઠતાની સાથે જ શરીરમાં નબળાઈ લાગતી હોય, તો આ સંકેત તમારું હ્રદય નબળું પડવાના સંકેત હોઈ શકે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
હ્રદય જ્યારે પુરતા પ્રમાણમાં ઑક્સિજનયુક્ત લોહી શરીરના અન્ય અંગો સુધી ના પહોંચાડી શકે, ત્યારે થાક લાગતો હોય છે. આ લક્ષણ ખાસ કરીને મહિલાઓમાં વધારે જોવા મળે છે. જો લાંબા સમયથી આ સમસ્યા રહેતી હોય, તો તબીબની સલાહ લેવી હિતાવહ રહેશે.
શ્વાસ લેવામાં સમસ્યા
જો તમને સામાન્ય ચાલવાથી કે પગથિયા ચડવાથી શ્વાસ ચડી જતો હોય એટલે કે શ્વાસ લેવામાં સમસ્યા થઈ રહી હોય, તો આ હાર્ટ ડિશિઝનો ગંભીર સંકેત હોઈ શકે છે.
હ્રદય યોગ્ય રીતે લોહીને પંપ ના કરી શકે, તો ફેફસામાં ઑક્સિજનની કમી થઈ જાય છે. જેના પરિણામે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. જો આ સમસ્યા ધી રહી હોય, તો તેને ઈગ્નોર કર્યા વિના તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
ઊંઘની સમસ્યા અને સતત અકળામણ
જો રાતે વારંવાર તમારી ઊંઘ ઉડી રહી હોય અને કોઈ કારણ વિના તમને અકળામણ થઈ રહી હોય, તેમજ અચાનક ડરનો અનુભવ થવા લાગે, તો તે હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે. ઘણા લોકો તેને માનસિક તણાવ સમજીને નજરઅંદાજ કરી દેતા હોય છે. જો કે હાર્ટ એક્સપર્ટનું માનવું છે કે, હ્રદયની ધમનીઓ સંકોચાવાના કારણે આમ થતું હોય છે.
સતત પરસેવો વળવો
જો તમને ઠંડીની કે સામાન્ય સિઝનમાં પણ અચાનક પરસેવો વળવા લાગે, તો તે પણ હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે. જ્યારે હાર્ટને લોહી પંપ કરવામાં તકલીફ થાય છે, ત્યારે શરીરને વધારે મહેનત કરવી પડે છે. જેના પરિણામે વધારે પરસેવો વળતો હોય છે. જો તમે કોઈ ઠંડા સ્થળ પર હોવ છતાં તમને પરસેવો વળતો હોય, તો તેને નજરઅંદાજ ના કરશો.
શરીરના ઉપરના ભાગમાં દુખાવો
જો તમને ખભા, ગળા, જડબા કે પીઠના ભાગે સામાન્ય દુખાવો થઈ રહ્યો હોય, તો તે પણ હ્રદયની બીમારીનો સંકેત હોઈ શકે છે.
હાર્ટ એટેક પહેલા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે નથી થઈ શકતું. જેના પરિણામે ઘણી વખત શરીરના ઉપરના ભાગમાં દુખાવો ઉપડે છે. જો કોઈ કારણ વિના શરીરના ઉપરના ભાગમાં દુખાવો વારંવાર ઉપડતો હોય, તો તબીબની સલાહ લેવી જ રહી.
ચક્કર આવવા
જો તમને કોઈ કારણ વિના ચક્કર આવી રહ્યા હોય અને આંખો સામે કોઈ અંધારું છવાઈ જતું લાગે, તો તે પણ નબળા હ્રદયની નિશાની હોઈ શકે છે. જ્યારે હ્રદય શરીરના અન્ય અંગો સુધી યોગ્ય રીતે લોહી પહોંચાડી ના શકે, તો મગજ સુધી પણ ઓક્સિજનની કમી થવા લાગે છે. જેના પરિણામે ચક્કર આવવા લાગે છે.
અપચો, પેટમાં દુખાવો અને ઉબકા
તમને નવાઈ લાગશે, પરંતુ આ સાચું છે કે, હાર્ટ એટેક પહેલા કેટલાક લોકોને ગેસ, અપચો, ઉલટી અને પેટમાં દુખાવા જેવી સમસ્યા પણ થઈ શકે છે. ખાસ કરીને મહિલાઓમાં હાર્ટ એટેક પહેલા આ પ્રકારની સમસ્યા વધારે જોવા મળે છે. જો તમને પણ આવા કોઈ લક્ષણો જણાય તો તેને સામાન્ય સમજવાની ભૂલ ના કરવી જોઈએ.
હાર્ટ એટેકથી બચવા માટે શું કરવું જોઈએ?
જો તમને ઉપર જણાવેલા કોઈ લક્ષણો દેખાય, તો તાત્કાલિક તબીબનો સંપર્ક કરવો જોઈએ. આ સિવાય હાર્ટ એટેકથી બચવા માટે કેટલીક જરૂરી આદતો અપનાવવી જોઈએ.
હેલ્ધી ડાયટ: વધારે પડતું તીખું-તળેલું ખાવાનું ટાળો. એની જગ્યાએ લીલા શાકભાજી, ફ્રેશ ફ્રૂટ અને ફાઈબરથી ભરપુર ડાયટ લો.
નિયમિત એક્સરસાઈઝ: દરરોજ ઓછામાં ઓછું 30 મિનિટ ચાલવાનું રાખો અથવા હળવી કસરત કરો.
સ્ટ્રેસ ઘટાડો: યોગ અને ધ્યાન અર્થાત મેડિટેશન અપનાવો. માનસિક તણાવ પણ હાર્ટ એટેકનું મોટું કારણ બની શકે છે.
વ્યસનને છોડો: સ્મોકિંગ અને આલ્કોહોલ ડ્રિન્કિંગની આદત હાર્ટની ધમનીઓને બ્લોક કરી શકે છે. જેના પરિણામે હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.
બ્લડ પ્રેશર અને સુગર કંટ્રોલમાં રાખો: સમયાંતરે તમારું હેલ્થ ચેકઅપ કરાવતા રહો. જેમાં ખાસ કરીને બ્લડ પ્રેશર, કૉલેસ્ટ્રોલ અને સુગર જેવા ટેસ્ટ અચૂક કરાવવાનું રાખો.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.