‘શ્રીમદ્ ભગવદ ગીતા’ના ગહન જ્ઞાનસાગરમાં જ્યારે જ્યારે ઊંડી ડૂબકી લગાવીએ,ત્યારે કોઈને કોઈ ઝળહળાટભર્યું તેજસ્વી મોતી હાથ લાગે છે અને એ મોતીનું અજવાળું એવું હોય છે કે માનવજીવનને વિશેષ પ્રકાશિત કરે છે.
એક અર્થમાં કહીએ તો ભારતીય ઉપનિષદોની ‘પ્રજ્ઞા પુરાણી’ને કેન્દ્રમાં રાખીને શ્રીમદ્ ભગવદ્ગીતાએ માનવજીવનને સમગ્રતયા અવલોક્યું છે અને પ્રત્યેક વ્યક્તિને ઉપયોગી થાય તેવો ઉપદેશ આપ્યો છે.

કોઈ ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’ને ધાર્મિક ગ્રંથ તરીકે જુએ છે, તો કોઈ એને જગતને સર્વ રીતે ધારણ કરનાર સર્વવ્યાપી પરમતત્ત્વ સાથે યોગ કરાવનારો અર્થાત્ જોડનારો ગ્રંથ કહે છે.હકીકતમાં આ દેશ,કાળ અને સંપ્રદાયની મર્યાદાથી પર એવો આ ગ્રંથ છે અને એથી જ એને સર્વત્ર આદર પ્રાપ્ત થયો છે.
જ્ઞાન,કર્મ અને ભક્તિ એ ત્રણેયની મીમાંસા અહીં પ્રાપ્ત થાય છે. ક્યારેક એમ લાગે કે ગીતા જ્ઞાનને શ્રેષ્ઠ કહે છે,તો ક્યારેક એવો અનુભવ થાય કે એ ભક્તિને વધારે સારી ગણે છે. હકીકત એ છે કે એના ઉપદેશક શ્રીકૃષ્ણને પૂરો ખ્યાલ છે અને તેથી જ જિજ્ઞાસુ અર્જુન પાસે આ વિશે શંકા કરાવે છે અને તે દ્વારા દર્શાવે છે કે પ્રત્યેક વ્યક્તિની પ્રકૃતિ ભિન્ન ભિન્ન હોય છે.
આથી દરેકને માટે સર્વ સામાન્ય ઔષધ, નીતિનિયમ કે ઉપદેશ કામમાં ન આવે. આનો હું અર્થ એ કરું છું કે જ્ઞાન,કર્મ અને ભક્તિ એક જ ચીત્તની બુદ્ધિ (ઇહંઙ્મઙ્મીષ્ઠં), ઈચ્છા (ઉૈઙ્મઙ્મ), ભાવ (ઈર્દ્દબંરૈર્હ)વૃત્તિનાં રૂપ છે,જે એકબીજાથી સર્વથા અલગ હોતા નથી.
આ ત્રણ પ્રત્યેક સાધક પોતાની પ્રકૃતિ પ્રમાણે કોઈ એક માર્ગને મુખ્યતયા અપનાવતો હોય છે. કોઈ જ્ઞાનમાર્ગથી ૫૨મતત્ત્વને પામવાનો પ્રયત્ન કરે છે. કોઈ વળી અવિરત કર્મયોગ કરીને એની પાસે પહોંચવાનો પ્રયત્ન કરે છે. તો કોઈ ભક્તિયોગનો આશરો લઈને પરમતત્ત્વને પામવાનો પ્રયત્ન કરે છે.
આનો અર્થ જ એ કે શ્રીમદ્ ભગવદ્ગીતા કહે છે કે, ‘જ્ઞાન,કર્મ અને ભક્તિમાંથી કદાચ વ્યક્તિમાં કોઈ એકનું પ્રાધાન્ય હોય,પણ એનાથી બીજા બેની બાદબાકી થઈ શકે નહીં. ‘જ્ઞાન માટે કર્મ અને શ્રદ્ધામય ભક્તિ જેટલાં જરૂરી છે, એટલા જ કર્મ માટે ભક્તિ અને જ્ઞાન અને ભક્તિ માટે કર્મ અને જ્ઞાન આવશ્યક છે.
જો આવું ન થાય તો કર્મયોગનાં અભાવે વ્યક્તિ આળસુ બની જાય, ભક્તિયોગના અભાવે એનામાં જડતા આવી જાય અને જ્ઞાનયોગના અભાવે એનું અજ્ઞાન અવરોધરૂપ બને અને આવું થાય તો પરમતત્ત્વની અનુભૂતિ શક્ય નથી. એથીયે વિશેષ એને સાંસારિક જીવન પણ પીડારૂપ લાગે છે.
એક અર્થમાં કહીએ તો શ્રીમદ્ ભગવદ્ગીતાએ કોઈનો સર્વથા નિષેધ કર્યો નથી, બલ્કે જો તમારે સત્યની અનુભૂતિ કરવી હોય તો એ સર્વનો સંગ્રહ કરીને આગળ વધવું જોઈએ. ‘ભગવદ્ગીતા’વિશે તો ઘણી વાત થઈ શકે. એનું કારણ એ છે કે એના પ્રત્યેક શ્લોકમાં ગર્ભિત જીવનરહસ્ય છુપાયેલું છે અને તે સંદર્ભમાં ભગવાન શ્રીકૃષ્ણે માર્મિક રૂપક દ્વારા એક વાત કરી હતી કે, ‘જેના મરણ વખતે ‘અગ્નિ’સળગેલો છે;’સૂર્ય’ પ્રકાશે છે; શુક્લપક્ષના ‘ચંદ્ર’ની કળા વધતી જાય છે; ઉત્તરાયણનું વાદળાં વિનાનું નિરભ્ર, સુંદર ‘આકાશ’ માથે ફેલાયેલું છે, તે વ્યક્તિ ‘બ્રહ્મ’માં વિલીન થાય છે; અને બીજી બાજુ, જેના મરણ વખતે ‘ધુમાડો’ઘુમાયા કરે છે; આંતરબાહ્ય ‘અંધારું છે; શુક્લપક્ષનો ‘ચંદ્ર’ ક્ષીણ થતો જાય છે; દક્ષિણાયનનું અભ્રાચ્છાદિત મલિન ‘આકાશ’ માથે ફેલાયેલું છે, તે મનુષ્ય વળી પાછો જન્મમરણના ચોર્યાસીના ફેરામાં પડી જાય છે.
આ સંદર્ભમાં અગાઉ આપણે જોયું કે ‘બ્રહ્મ’માં વિલીન પામતી વ્યક્તિના મરણ વખતે અગ્નિ સળગેલો હોય, સૂર્ય પ્રકાશેલો હોય – એનો અર્થ એ કે સૂર્યનાં પ્રકાશની જેમ હું એ અંતકાળે પણ સતત કર્મયોગ કરતો રહે છે. સૂર્ય એટલે ‘બુદ્ધિની પ્રભા’અર્થાત્ મૃત્યુ સમયે પણ ‘એને સૂર્યની કૃપા પ્રાપ્ત થાવનો અર્થ એટલો કે અંતિમ સમયે પણ મારું ચિત્ત સભાન રહીને ઝગમગતું અને સતેજ રહે.
એ પછી ત્રીજી વાત કરે છે, ‘શુક્લપક્ષની ચંદ્રની કળા વધતી જાય છે.’ અહીં ચંદ્ર છે,પણ સાથોસાથ શુક્લપક્ષનો છે. સતત વૃદ્ધિ પામનારો છે. ચંદ્ર એ ભાવનાનો દેવ છે અને શુક્લપક્ષમાં ચંદ્રની કળા જેમ સતત વૃદ્ધિ પામતી હોય છે, તે જ રીતે મારા ભીતરની ભાવનાઓ વૃદ્ધિ પામતી રહે. ભક્તિ, દયા ,પરોપકાર, માનવતા જેવી શુભ ભાવનાઓ અંત:કાળે પણ સતત વધતી હોય અને એટલે જ અંત સમયે ચિત્તમાં કોઈ અશુભ ભાવ ન હોય, કોઈના પ્રત્યેના વેરઝેરનું સ્મરણ ન હોય, મનમાં કોઈ બળબળતી ઇચ્છા કે પજવતી લાલસા ન હોય, કોઈ અધૂરી રહી ગયેલી તૃષ્ણાની પીડા કે પછી ચિત્તમાં મૃત્યુ સમયનો શોક ન હોય.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ચંદ્રની કૃપા એટલે અંતિમ સમયે ઉર્ધ્વ ભાવનાઓનો આવિર્ભાવ. મન ઉત્તમ ભાવનાઓથી થનગનતું હોય અને ઉત્સાહભેર એનો વિચાર કરતું હોય એવી અંતિમ ઘડી પ્રાપ્ત થાય તે માટે ચંદ્રની અર્થાત્ દૈવી તત્ત્વોની કૃપા હોવી જોઈએ. આવી કૃપા થાય, ત્યારે વ્યક્તિ ઉત્તમ ભાવનાઓ સાથે આ જગતની વિદાય લે છે અને તેથી પછીના જન્મમાં ઉત્તમ જીવન પ્રાપ્ત કરે છે.
‘ઉત્તરાયણનું વાદળાં વિનાનું નિરભ્ર ‘સુંદર આકાશ’ માથા પર ફેલાયું છે’
પહેલું તો આ આકાશ એ ઉત્તરાયણ સમયનું છે અને આ ઉત્તરાયણનો ભારતીય સંસ્કૃતિમાં શુભ સમય તરીકે ઘણો મહિમા છે.પિતામહ ભીષ્મએ પણ પોતાની અંતિમ વેળાને માટે ઉત્તરાયણના સૂર્યની રાહ જોઈ હતી. આ ઉત્તરાયણ એટલે ક્લેશ, કંકાસ અને વેરઝેર વિનાનો અંતરાત્મા,પ્રસન્ન ચિત્ત લાગે તે. એટલે કે આ ઉત્તરાયણ સમયે ચિત્તમાંથી સઘળાં દ્વેષ ચાલ્યાં ગયા હોય. કોઈનીયે સાથે ન રાગ હોય, ન દ્વેષ હોય,આવી પરિસ્થિતિ અંત:કાળે હોવી જોઈએ.
શ્રીમદ્ રાજચંદ્રજીનાં આધ્યાત્મિક પદોમાં પણ આવી જ પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. એ મરણ સમાધિમરણ હોય. જ્યાં મનનો સંસારભાવ સાવ શમી ગયો હોય અને આથી વ્યવહારજગતમાં કેટલાંક સુજ્ઞા પુરુષો પોતાના અંત:કાળ સમય પૂર્વે સહુની ક્ષમા માગી લે છે. પહેલાં પોતાની નજીકના પરિચિતોની ક્ષમા માગે છે, કારણ કે વ્યક્તિએ સૌથી વધુ દુ:ખ એના નિકટના પરિચિતોને આપ્યું હોય છે અને પછી એ સમાજની અને બીજા લોકોની ક્ષમા માગે છે.
આમ,અંતિમ ઘડી કેવી હોવી જોઈએ? તો તે અંગે ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’ કહે છે કે એ વેળાએ માનવીના મનમાં કોઈ ઉધમાત,વિકલ્પ અથવા તો બીજા કોઈ દુર્ભાવો હોવા જોઈએ નહીં, પણ એનું ચિત્ત અત્યંત પ્રસન્ન હોવું જોઈએ. જેવી પ્રસન્નતા ઉત્તરાયણના સૂર્યમાં જોવા મળે છે, એવી સ્ફૂર્તિ, તાજગી અને પ્રસન્નતા અંતકાળે હોવી જોઈએ. અહીં એક બીજો શબ્દ વાપર્યો છે ‘નિરભ્ર આકાશ’. એનો અર્થ છે ‘વાદળ વિનાનું આકાશ’. આ વાદળાં કયાં? આ વાદળા એ મોહ અને વાસનાનાં વાદળો છે.
પોતાના અંતિમ સમયે કોઈ ધનલોભી પોતાના ધનની ચિંતા કરતો હોય, તો કોઈ કામી ચિત્તમાં કામ-ભોગનાં સ્વપ્નો સેવતો હોય, કોઈ વધુ સત્તા ઝંખતો હોય, તો કોઈ વધુ સમૃદ્ધિ ચાહતો હોય અને અંતકાળે એના ચિત્તમાં ઇચ્છાઓનો તરફડાટ જોવા મળે છે. ભગવદ્ ગીતાની દ્રષ્ટિએ આવો અંતકાળ એ એને માટેનો પછીના દુ:ખદ સ્થિતિવાળા પુનર્જન્મનું કારણ બને છે. સામાન્ય રીતે માનવી સૌથી વધુ ભયભીત પોતાના અંતકાળે બનતો હોય છે, ત્યારે એણે મૃત્યુ સામે કેવી નિડરતાથી સજ્જ થવાનું છે તેનો સુંદર આલેખ અહીં પ્રાપ્ત થાય છે.
નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે – પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. અમારી વેબસાઈટ આની પુષ્ટિ કરતું નથી. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.