હવામાન વિભાગની આગાહીને પગલે દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓ વરસાદ પડ્યો છે. છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, તાપી, વલસાડ અને ડાંગમાં વરસાદ પડ્યો છે.
ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. સુબિર તાલુકામાં 24 કલાકની અંદર 57 મી.મી. (2 ઈંચથી વધુ) વરસાદ પડતા પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ હતી. સાથે નાના કોતરોમાં વરસાદના નવા નીર વહેતા જોવા મળ્યા હતા.
ભારે પવનનાં સુસવાટા બાદ વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદી માહોલનું આગમન થતા સર્વત્ર શીતલહેર વ્યાપી ગઈ હતી. ડાંગમાં સતત બીજા દિવસે વરસાદી માહોલનું આગમન થતા ગરમીથી શેકાયેલી ધરા હળવા ભીનાશ સાથે તરીતૃપ્ત બની હતી. ગિરિમથક સાપુતારામાં શનિવારે વરસાદી માહોલ જામતા ફરવા આવેલ પ્રવાસીઓએ વરસાદી માહોલ અને પ્રકૃતિનો આસ્વાદ માણી ખુશી અનુભવી હતી.
છોટા ઉદેપુરમાં કવાંટ અને નસવાડીમાં વરસાદ
છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ અને નસવાડીમાં વરસાદ પડ્યો છે. કવાંટમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડ્યો. મેઘરાજાની પધરામણીથી લોકોમાં આનંદ છવાયો છે. નસવાડીના ડુંગર વિસ્તાર દામણીઆંબા, ભગીયા વાડ, ઘૂંટીયા આંબા, કડુલી મહુડી ગામડાઓમાં વરસાદ પડ્યો. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં ખેડૂતોમાં પણ આનંદ છવાયો છે.
નર્મદામાં વરસાદ
નર્મદા જિલ્લાના કેવડીયા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. નર્મદા જિલ્લામાં આવેલ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં વરસાદ પડ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે પ્રથમ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
નવસારીમાં વરસાદ
નવસારી શહેરમાં આવેલ મંકોડિયા, દુધિયા તળાવ,સ્ટેશન રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડયા. નવસારીના વાંસદા તાલુકામાં પણ વરસાદ પડ્યો. વાંસદા તાલુકામાં આવેલા વાઘાબારી સહિત આસપાસના ગામમાં વરસાદ પડ્યો હતો.
તાપીમાં વરસાદ
તાપી જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદી માહોલ સર્જાયો હતો. જિલ્લાના સોનગઢનગર સહિત તાલુકામાં વરસાદ પડ્યો. તાપી જિલ્લાના અન્ય પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ પડ્યો હતો.
વલસાડ શહેર અને જિલ્લામાં વરસાદ
વલસાડ શહેર અને જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો. વલસાડ જિલ્લાના ધરમપુરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. વલસાડના જિલ્લામાં કપરાડા, નાનાપોઢા,પારડી ,ચીવલ ,અરનાલા વિસ્તારમાં વરસાદ પડ્યો. કેરીની સિઝનના છેલ્લા સમયે વરસાદ આવતા અને કેરી મોડી આવતા હાલ કેરીના ખેડૂતોની ચિંતા વધી છે. અન્ય પાક લેતા ખેડૂતોએ જમીન ખેડવાની શરૂઆત કરી છે.
સુરતમાં ભારે વરસાદ
સુરતની સાથોસાથ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયું વાતાવરણ છે. વલસાડ, નવસારી સહિતના વિસ્તારમાં છેલ્લા બે દિવસથી હળવો વરસાદ પડી રહ્યો છે. ત્યારે વહેલી સવારે સુરત શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાત્રિ દરમિયાન રાત્રે 8થી સવારના 8 વાગ્યા સુધીમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ વરાછા ઝોન-એમાં 46 મિમિ વરસાદ પડ્યો હતો.
ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા
ભારે ગરમી વચ્ચે વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, ધોધમાર વરસાદ ખાબકતા ઉધના, પાંડેસરા અને વરાછા વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ ગયા હતા. રોડ પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વરસાદની વધારે માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.