બિપોરજોય વાવાઝોડું પાછલા 6 કલાકમાં 7 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ સાથે આગળ વધી રહ્યું છે, વાવાઝોડું જખૌ બંદરથી 70 થી 80 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં છે.
બિપોરજોય વાવાઝોડાના મુખ્ય વાદળો હવે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પ્રવેશી ગયા છે જ્યારે વાવાઝોડાનું કેન્દ્ર હજુ પણ જખૌ બંદરથી 80 કિમિ જેટલું દૂર છે. હાલ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પવનની ગતિ વધી રહી છે જેમાં હજુ વધારો થશે તેમજ વરસાદના વિસ્તારોમાં પણ વધારો થતો જશે.
વાવાઝોડું ધીમી ગતિએ કચ્છના જખૌ બંદર અને લાગુ બોર્ડર વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના લેન્ડફોલની પ્રક્રિયા આજે મોડી રાતથી આવતીકાલે સવાર સુધી ચાલુ રહી શકે છે. કચ્છમાં 100-120 કિમિ પ્રતિ કલાકની ગતિના પવન સાથે કેટલાક સ્થળોએ ભારે થી અતિભારે વરસાદની સંભાવના છે.
જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના અખાત લાગુ વિસ્તારોમાં 70-80 કિમિ પ્રતિ કલાકની ગતિના પવનો સાથે ભારે વરસાદ અને અમુક સ્થળે અતિભારે વરસાદ પડી શકે છે, સૌરાષ્ટ્રના બીજા વિસ્તારમાં પણ કેટલાંક સ્થળે મધ્યમથી ભારે વરસાદની શકયતા છે.
બીજી બાજુ હવામાન વિભાગની આગાહી મુજબ, આજે સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં અતિભારે વરસાદની સંભાવના હોવાથી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ અને આણંદમાં ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.