ગુજરાત રાજ્યમાં હાલ મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જામ્યું છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે લોકોને બફારા અને ગરમીમાંથી રાહત મેળવી છે.
મહારાષ્ટ્રમાં ચોમાસાનું વિધિવત્ આગમન થઇ ગયું છે અને હવે ગુજરાતમાં પધરામણી થવાની તૈયારી છે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે. આગામી સાત દિવસમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનો વિધિવત્ત પ્રારંભ થઇ જાય તેવી શક્યતા છે.
ગુજરાતમાં શનિવારના વરસાદની વાત કરીએ તો, ડાંગના સુબીરમાં 2.28 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ સાથે ગીર સોમનાથના ગીર ગઢડામાં બે ઇંચ, તાપીના કુકામુંડામાં 1.96 ઇંચ, કપરાડા અને સાવરકુંડલામાં 1.24 ઇંચ, ધરમપુરમાં 1 ઇંચ, મુલીમાં 24 એમએમ જ્યારે જૂનાગઢ શહેરમાં 21 એમએમ વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં સામાન્ય રીતે જૂનના ત્રીજા સપ્તાહ બાદ ચોમાસાનું આગમન થતું હોય છે. પરંતુ આ વખતે ચોમાસાનું વહેલું આગમન થાય તેવી પૂરી શક્યતા છે. હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદના આગમન અંગે જણાવ્યું હતુ કે, ‘નૈઋત્યના ચોમાસાએ મધ્ય અરેબિયન સમુદ્રના બાકીના ભાગ, મુંબઇ સહિત કોંકણના મોટાભાગના વિસ્તાર, મધ્ય મહારાષ્ટ્ર તેમજ કર્ણાટકના કેટલાક હિસ્સામાં પ્રવેશ કરી લીધો છે. હવે થોડા કલાકોમાં નૈઋત્યનું ચોમાસું ઉત્તર અરેબિયન સમુદ્રના કેટલાક ભાગ તેમજ ગુજરાતમાં પ્રવેશે તે માટેની સાનુકૂળ સ્થિતિ સર્જાઇ છે. આગામી બેથી ત્રણ દિવસમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થઇ શકે છે.
રાજ્યભરમાં હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ પણ થઇ ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં વરસાદી વાતાવરણ થયું છે. શનિવારે કચ્છ સિવાય રાજ્યના અનેક જિલ્લામાં છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો. આગામી પાંચ દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત વરસાદ થવાની સંભાવના છે.
આ સાથે અમદવાદમાં વરસાદની આગાહી કરવામાં આવે તો, અમદાવાદમાં રવિવારથી 15 જૂન સુધીમાં ગાજવીજ સાથે અંદાજે 1 ઈંચ આસપાસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 13 જૂને એટલે સોમવારે સવારે ગાજવીજ સાથે વરસાદની સૌથી વધુ શક્યતા છે. સોમવારથી જ રાજ્યમાં શાળાઓ પણ શરૂ થવાની છે. ત્યારે બાળકોએ રેઇન કોટ અને છત્રી તૈયાર રાખવી પડશે. નોંધનીય છે કે, શનિવારે બપોર પછી અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાણીપ, એસજી હાઈવે, ઘાટલોડિયા, ગોતા સહિતના કેટલાક વિસ્તારમાં વરસાદી છાટાં પડ્યા હતા.
વરસાદની વધુ માહિતી મેળવવા અમારું ફેસબુક પેજ ફોલો કરો.