નમસ્કાર મિત્રો, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 80 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેમાં સૌથી વધુ ચીખલીમાં 4.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 3 દિવસ વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 3 દિવસ રાજ્યના કોઈ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી નથી, મોટાભાગના જિલ્લામાં કેટલાક છૂટાછવાયા સ્થળોએ ઝાપટા પડી શકે છે. એટલે કે ભારે વરસાદ કે અતિભારે વરસાદ થવાની કોઈ શક્યતા નથી.
હવામાન વિભાગે આજની આગાહી કરતા જણાવ્યું કે, આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આજે ગુજરાતના પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગર, બોટાદ, વડોદરા, ખેડા, છોટાઉદેપુર, નર્મદા અને અરવલ્લીમાં વરસાદ પડી શકે છે.
આ સાથે જ આજે ગાંધીનગર, ભરૂચ, સુરત, દાહોદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમદાવાદ, આણંદ, પંચમહાલ અને મહીસાગરમાં પણ વરસાદ થવાની સંભાવના છે.
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી 4થી 5 દિવસ છૂટા છવાયા વરસાદની સંભાવના છે. જ્યારે 16થી 19 જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી વરસાદ પડશે. 16 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે.
તો બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આગામી 18 અને 19 જુલાઈએ બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન બનશે જે ગુજરાતમાં વરસાદ લાવશે. ડીપ ડિપ્રેશનના કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે.
વધુમાં અંબાલાલ પટેલ જણાવ્યું કે, 20થી 25 જુલાઈ સુધી અતિભારે વરસાદ શક્યતા છે. જ્યારે 28 જુલાઈથી 8 ઓગસ્ટ સુધીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને કચ્છ અને બનાસકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ મધ્ય ગુજરાતના કેટલાક ભાગો વરસાદથી તરબોળ થશે.
ચાલુ ચોમાસાની સિઝનમાં મેઘરાજાએ સમગ્ર ગુજરાતમાં ભારે હેત વરસાવ્યું છે. અત્યાર સુધીમાં વરસાદના બે રાઉન્ડમાં રાજ્યમાં 43.77 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.
વરસાદ અને વાવાઝોડા સંબધિત તમામ માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.