છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદી વાતાવરણ બન્યું છે અને કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી પણ થઈ ચુકી છે. આ વચ્ચે અંબાલાલ પટેલની પણ વરસાદને લઈને આગાહી સામે આવી છે. તેઓએ કહ્યું છે કે, ગુજરાતમાં આગામી સપ્ટેમ્બર અને નવેમ્બરમાં સારા વરસાદની શક્યતાઓ છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, બંગાળના ખાડીનું લો પ્રેશર ગુજરાત તરફ આવતા આગામી 16 અને 17 સપ્ટેમ્બરે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પંચમહાલ, વડોદરા અને ખેડા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકિનારે વરસાદ થવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આ અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ આગાહી મુજબ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા-નગર હવેલીમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે.
જ્યારે 15, 16 અને 17 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જ્યારે 18મી સપ્ટેમ્બરે આ વિસ્તારો ઉપરાંત ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દીવમાં વરસાદ પડવાની સંભાવના છે.
નોંધનીય છે કે, સમગ્ર ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાઈ ગયો હતો અને ચાલુ મહિનાના પહેલા અઠવાડિયામાં પણ વરસાદ લાવનારી સિસ્ટમ એક્ટિવ થઈ નહોતી. જન્માષ્ટમીના તહેવારો પછી ફરી વરસાદના મંડાણ થતાં લોકોમાં હરખ છવાયો હતો.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.
3 thoughts on “અંબાલાલ પટેલની મોટી આગાહી; ગુજરાત ફરી થશે જળબંબાકાર, ભારેથી અતિભારે વરસાદ”