વાવાઝોડું બીપરજોય ફરીથી ભયાનક સ્વરૂપ લઇ રહ્યું છે. આજે સવારથી જ ફરી મજબૂત બની રહ્યું છે. પવનની ઝડપ ફરી વધી રહી છે. અત્યારે 180થી 200 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડાની અસરના પગલે રાજ્યમાં સારો વરસાદ પડ્યો છે. જેમાં સૂત્રપાડા અને વેરાવળમાં 8.5 ઈંચ, મેંદરડા 7.5 ઈંચ, માળીયા અને કેશોદમાં 7 ઈંચ, માંગરોળ, તાલાલા અને વંથલીમાં 5 ઈંચ, માણાવદરમાં 4.5 ઈંચ અને જુનાગઢમાં 4 ઈંચ વરસાદ ખાબચ્યોં હતો.
બીપરજોય વાવાઝોડું ખુબજ ધીમી ગતિએ કચ્છ પાકિસ્તાન બોર્ડર તરફ આગળ વધી રહ્યું છે અને 15 જૂન બપોરથી 16 જૂન સવાર સુધીમાં ત્યાં લેન્ડ ફોલ કરે તેવી શક્યતા છે. લેન્ડ ફોલ વખતે 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેની સાથે ભારે વરસાદ તથા કડાકા ભડાકા સાથે વીજળી પડવાના બનાવો બનવાની પૂરેપૂરી સંભાવના છે. સમુદ્ર તોફાની બનશે અને 10થી 30 ફૂટ ઊંચા મોજા ઉછળી શકે છે જેથી સમુદ્ર કિનારાથી દૂર ખસી જવુ હિતાવહ રહેશે.
કાલથી જ વાવાઝોડાંની અસર દેખાવાની શરૂઆત થઈ શકે છે. તેની અસરથી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ અને 80થી 100/120 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
હાલના ફોરકાસ્ટ ટ્રેક મુજબ બિપોરજોય વાવાઝોડુ આગામી 48 કલાક પશ્ચિમ સૌરાષ્ટ્ર પાસેથી 200 કિમિ દૂરથી પસાર થઈ 15 જુનની બપોર બાદથી 16 જૂન સવાર સુધીમાં કચ્છના જખૌ અને નલિયાથી સિંધ બોર્ડર વચ્ચેના વિસ્તારમાં ટકરાવાની શકયતા છે અને ત્યારબાદ નબળું પડી ઉત્તર ગુજરાતમાં બોર્ડર વિસ્તાર તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે.
ખાસ નોંધ: આ વેધર મોડેલ મુજબનું અનુમાન છે. હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.