ઇતિહાસમાં અનેક એવા પાત્રો આપણને મળી આવે છે જેમને પોતાના ધર્મ માટે ખુદના જીવનું પણ બલિદાન આપી દીધું હોય. આપણે આજે એવા જ એક અનસંગ કેરેક્ટર વિશે વાત કરવી છે જેને હિન્દુ ધર્મ છોડી ઇસ્લામ સ્વીકારવાની મનાઈ કરતા નવાબે મોતની સજા આપી હતી.
આ કહાની વીર હકીકત રાયની છે. જેમને વર્ષ 1734માં લાહોર બલિદાન આપ્યું હતું. તેમનો જન્મ 1719માં પંજાબના સિયાલકોટ (પાકિસ્તાનમાં)ના એક શ્રીમંત વેપારી પરિવારમાં થયો હતો.

તે પિતા ભાગમલ અને માતા ગૌરાનો એકમાત્ર સંતાન હતો. હકીકત રાયના પિતાનો સારો કૌટુંબિક વ્યવસાય હોવા છતાં, પિતા ઇચ્છતા હતા કે હકીકત રાય ઉચ્ચ અભ્યાસ કરે અને સારી સરકારી નોકરી મેળવે. તે જમાનામાં સરકારી નોકરી માટે ફારસી ભાષાનો અભ્યાસ કરવો જરૂરી હતો. અને ફારસી શીખવા મદરેસામાં એડમિશન લેવું જરૂરી હતું. આથી પિતાએ તેને મદરેસામાં દાખલ કરાવ્યો હતો.
હોશિયાર હોવાને કારણે હકીકતે ટૂંક સમયમાં જ પોતાને એક સારો વિદ્યાર્થી સાબિત કર્યો હતો. તેની પ્રગતિને કારણે તેના ઘણા સાથીઓને તેમના પ્રત્યે ઈર્ષ્યા અને દ્વેષ પણ પેદા થયો હતો. સાથે ધાર્મિક ભેદભાવને પણ સહન કરવો પડ્યો હતો.
12 વર્ષની ઉંમરે લગ્ન
તે વખતના જમાનામાં નાની ઉંમરે લગ્ન થતાં હતા. હકીકત રાય માત્ર 12 વર્ષના હતા ત્યારે તેમના લગ્ન તેમનાથી થોડી નાની ઉમરની છોકરી સાથે કરવામાં આવ્યા હતા. તેમના લગ્ન ગુરદાસપુરના બટાલા નગરના કિશન સિંહ ઉપ્પલની પુત્રી લક્ષ્મી દેવી સાથે થયા હતા. પરંતુ નાની ઉંમરને લીધે લક્ષ્મી ક્યારેય તેના સાસરિયાના ઘરે ગઈ નહતી.
તે પોતાના પિયરમાં જ રહી હતી. નસીબમાં પણ તેના પતિ સાથે મળવાનું નહતું લખ્યું. જેને સમાજની પૂરતી સમજ પણ નહતી તે લક્ષ્મીને પોતાના પતિના બલિદાનની ખબર મળી ત્યારે તે પણ સતી થઈ ગઈ હતી.
કબડ્ડીના બહાને કટ્ટરપંથીઓના બન્યા નિશાન
એક દિવસ મદરેસાથી પાછા ફરતી વખતે હકીકત સાથે ભણતા બે છોકરાઓ અનવર અને રાશિદે તેને કબડ્ડી રમવાનું કહ્યું. પણ હકીકતને રમવાનો મૂડ નહતો, તો સામે પેલા છોકરાઓ જીદ કરી રહ્યા હતા.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ઘણા આગ્રહ બાદ હકીકતે માતા ભવાનીના સોગંદ ખાઈને જણાવ્યું કે તેને રમવાનું બિલકુલ મન નથી. જવાબમાં મુસ્લિમ મિત્રોએ માતા ભવાનીનો અનાદર અને અપમાનજનક શબ્દો બોલીને મજાક ઉડાવી. જેથી ગુસ્સે ભરાયેલા હકીકતે કહ્યું હતું જો હું તમારી આદરણીય ફાતિમા બીબી વિશે આવી વાત કહું તો તમને કેવું લાગશે?
જેથી અનવર અને રશીદે કહ્યું હતું કે, “તો પછી અમે તારા શરીરના ટુકડા કરી નાખીશું.” જેથી ચર્ચા વધવા લાગી અને ભીડ ભેગી થઈ ગઈ. માહોલ પણ ગરમ થઈ ગયો. મદરેસામાંથી મૌલવીને બોલાવવામાં આવ્યા. મૌલવીએ હકીકતને માફી માંગવા કહ્યું. જેથી હકીકતે કહ્યું કે, જ્યારે મેં કોઈ ભૂલ જ કરી નથી તો પછી હું શા માટે માફી માંગું?
જીવ બચાવવો હોય તો ઇસ્લામ સ્વીકારો
વિરોધી છોકરાઓએ હકીકત રાયને પોતાના કબ્જામાં લઈ લીધો હતો. મૌલવી પણ નારાજ હતા. હકીકતને બાંધીને સિયાલકોટમાં મિર્ઝા બેગની અદાલતમાં રજૂ કરવામાં આવ્યો. ત્યાં હકીકતે સમગ્ર ઘટના જણાવી. મિર્ઝા બેગ પણ કંઈ સાંભળવા તૈયાર નહોતા. તેમને શાહી મુફ્તી કાઝી સુલેમાનની સલાહ લીધી. બાદમાં ચુકાદો આપવામાં આવ્યો કે જો હકીકત પોતાનો જીવ બચાવવા માંગે છે તો તેને ઇસ્લામ ધર્મ સ્વીકારવો પડશે.
પરંતુ હકીકત રાયે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, “હું ક્યારેય મારો ધર્મ છોડીને ઇસ્લામનો સ્વીકારીશ નહી કરું.” હકીકત રાય કોઈપણ કિંમતે ધર્મ બદલવા તૈયાર નહોતો. બાદમાં મિર્ઝાએ આ કેસ લાહોર મોકલ્યો.
લાહોરમાં તેમને નવાબ ઝકરિયા ખાન સમક્ષ રજૂ કરવામાં આવ્યા. ત્યાં પણ જીવની સલામતી માટે ઇસ્લામ સ્વીકારવાની શરત મૂકવામાં આવી હતી. પરંતુ મૌતથી બેખોફ હકીકત રાયે ફરીથી ઇસ્લામ સ્વીકારવાની મનાઈ કરી દીધી.
નવાબ ઝકરિયા ખાન પર કટ્ટરપંથીઓ તરફથી ભારે દબાણ હતું. તેમના પર હકીકત રાયને મૃત્યુ દંડ આપવાનું દબાણ હતું. નવાબે હકીકત રાયને મૃત્યુદંડની સજા ફટકારી અને તેનું માથું કાપી નાખવાનો આદેશ આપ્યો.
આ ક્રૂર નિર્ણય માટે હિન્દુઓના પવિત્ર તહેવાર વસંત પંચમીનો દિવસ પસંદ કરાયો હતો. તે 1734નું વર્ષ હતું. જ્યારે લાહોરમાં શહીદ હકીકતના પાર્થિવ શરીરનો અગ્નિસંસ્કાર કરવામાં આવી રહ્યો હતો, તે જ સમયે બટાલામાં તેમની માસૂમ પત્ની લક્ષ્મી દેવીએ જે ફક્ત 12 વર્ષની હતી, તે ચિતા પર સતી થઈ ગઈ હતી.
આજે પણ બટાલામાં તે સ્મારક સ્થળ છે, જ્યાં દર વસંત પંચમીએ મેળો ભરાય છે. એટલું જ નહીં પંજાબના વિવિધ ભાગો અને દેશના અન્ય વિસ્તારમાં વસંત પંચમી પર વીર હકીકત રાય અને લક્ષ્મી દેવીને ખૂબ સન્માનથી યાદ કરવામાં આવે છે.
આ બહાદુર દીકરાને જન્મ આપનારા માતાપિતાને પણ યાદ કરવામાં આવે છે. તેમના માતા પિતા તેમના પુત્રની અસ્થિ વિસર્જન કરવા હરિદ્વાર ગયા હતા પરંતુ બાદમાં તે ક્યારેય પરત નહતા ફર્યા.