Rain Forecast During Monsoon in Gujarat: કાળઝાળ ગરમીનો પીરિયડ હળવો પડીને હાલ બે દિવસથી બફારો શરૂ થયો છે. હવામાન શાસ્ત્રીઓ અને પરંપરાગત વરસાદનાં આગાહીકારો કહી રહ્યાં છે કે આ વખતનાં વરસાદમાં કંઇ ઘટે એવું નથી. ટુંકમાં અલનીનો ઇફેક્ટ સમાપ્ત થઇ લા-નીનોની અસરથી સારૂ ચોમાસું રહેવાની સુખદ આગાહીઓ આવી રહી છે.
છેલ્લા 35 વર્ષથી વનસ્પતિનાં ફૂલ અને કોરામણ, આકાશી કસની નોંધ, અખાત્રીજની વહેલી સવારનો પવન, ટીટોડીનાં ઇંડા જેવા પરિમાણોને આધારે વરસાદની આગાહીકાર તરીકે સેવા આપતાં જૂનાગઢ સ્થિત વર્ષા વિજ્ઞાન મંડળનાં જુના સભ્ય મોહનભાઇ દલસાણિયા આગામી 2024નાં ચોમાસાની રૂખ જણાવતાં કહે છે કે કારતક મહિને દેવદિવાળીથી કસકાતરાની નોંધ કરવામાં આવે છે.
સામાન્ય રીતે સાડ છ મહિને વરસાદનાં કસ પાકે છે. 21 જૂનથી 03, જુલાઇ સુધીમાં સાર્વત્રિક વાવણી જોગ વરસાદ થશે. જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્રારકા, જૂનાગઢ, ગીર સોમનાથની દરિયાઇ પટ્ટી ઉપરાંત અડધા-પોણા રાજકોટ જિલ્લામાં ચોમાસું સક્રિય અને સારૂ રહેશે.
ગુજરાતમાં સરેરાશ 50 ઇંચ વરસાદ પડશે. 15, જુલાઇથી 14, ઓગસ્ટ વચ્ચે 12-15 દિવસનું વાયરૂ ફૂંકાશે. ચોમાસું વરસાદ બાબતે ભરપુર હોવાથી શિયાળું પાકો હોંબેશ થશે. છેલ્લે ચિત્રા નક્ષત્ર ભરપુર વરસીને ચોમાસું વિદાય લેશે.
તો બીજી બાજુ છેલ્લા ત્રણ દાયકાથી આગાહીકાર તરીકે જૂનાગઢ વંથલીથી રમણિકભાઇ વામજાએ ચોમાસાની આગાહી કરતાં જણાવ્યું કે, આ ચોમાસે ત્રણ તબક્કામાં વાવણી થશે, પહેલી વાવણી અમરેલી જિલ્લામાં થશે. પાછોતરા વરસાદ હાથિયા- ચિત્રા નક્ષત્રમાં પણ જોરદાર થશે. ભાદરવા મહિનામાં તીડ આવવાની શક્યતા, ગાજવીજ સાથે વીજળી પડવાનાં બનાવો છે.
Rain Forecast During Monsoon in Gujarat: ચોમાસા દરમિયાન 50થી 65 ઇંચ વરસાદ છે. શિયાળું પાક મબલક પાકશે. જુલાઇ મહિનામાં સમગ્ર સૌરાષ્ટ્રનાં ડેમ ઓવરફ્લો થઇ જશે. જુલાઇ માસમાં વેરાવળ બંદર ઉપર અતિવૃષ્ટિ થવાની શક્યતા છે.
ઓંણસાલનાં ચોમાસે ભાદર અને નર્મદા ડેમ છલકાઇ જશે. 16 આની વર્ષ હોવાથી ખેડૂતો માટે વર્ષ સારૂ છે. મગફળી, ચણા, ઘઉં અને મરચાં જેવી લાલ વસ્તુમાં તેજીનાં સંકેતો છે.
ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.