હવામાનના વિવિધ ફોરકાસ્ટ મોડેલના આધારે વિગતો જણાવતા રામજીભાઇ કચ્છીએ જણાવ્યું છે કે, ગત આગાહીમાં જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં ઉપલા લેવલના ભેજ અને અસ્થિરતા ઉભી થાય તો ભેજ યુક્ત પવનો ગુજરાત-સૌરાષ્ટ્ર પરથી પસાર થાય, તો પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોર પકડશે. એ મુજબ વિતેલા દિવસો દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સારી જોવા મળી છે. ઘણી જગ્યાએ વાવણી લાયક વરસાદ પણ પડ્યો છે. આગાહી સમયમાં પણ વિસ્તાર અને માત્રા વધ-ઘટ સાથે, આ સપ્તાહ દરમિયાન વરસાદ ચાલું રહેશે.
આગામી તારીખ 15 જૂનથી 16 સુધી વરસાદના વિસ્તારમાં ઘટાડો થાય તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે 13, જૂનના રોજ સૌરાષ્ટ્રના કાંઠે એટલે કે દિવ સુધી નૈઋત્યનું ચોમાસું પહોંચવાની સત્તાવાર જાહેરાત કરી છે.
હજુ આવતા બે-ત્રણ દિવસમાં નૈઋત્યનું ચોમાસું દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં આગળ વધવા માટે પરિબળો અનુકૂળ છે. 15 જૂનથી કચ્છ તેમજ 16 જૂનથી સૌરાષ્ટ્રના પશ્ચિમી દરિયા કાંઠે પવનનું જોર વધુ જોવા મળશે.
રાજ્યમાં આગામી 24 કલાકમાં જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.
વેધર ડેટા મુજબ ગુજરાત પર 19 જૂન પછી ફરી વરસાદના ઉજળા સંજોગો બને તેવું જણાય છે. વરસાદના પરિબળો થોડા નબળાં છે. જોકે 19 જૂન પછી ભારતમાં ઘણા બધા રાજ્યો, બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એક્ટિવ હશે જેના લીધે ગુજરાતમાં વરસાદની સંભાવના રહેલી છે. જૂન મહિનાના છેલ્લા બે અઠવાડિયામાં વાવણી લાયક વરસાદની શક્યતાઓ જણાઈ રહી છે.
નોંધ: વરસાદ તેમજ વાવાઝોડાની વધુ માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સૂચનાનું પાલન કરવું.
વરસાદની વધારે માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.