હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘નૈઋત્યના ચોમાસાએ ઉત્તર અરેબિયન સમુદ્ર તેમજ ગુજરાતના અન્ય કેટલાક વિસ્તારમાં આગેકૂચ કરી છે. બીજી બાજુ હાલ રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસી ગયો હોવાથી ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
આદ્રા નક્ષત્રની શરૂઆત ક્યારે થશે?
સૂર્યનું પરિભ્રમણ તા. 22/06/2022, બુધવારથી આદ્રા નક્ષત્રમાં થશે. બુધવારે 11:44 એ આદ્રા નક્ષત્રની શરૂઆત થશે, આદ્રા નક્ષત્રનુ વાહન ઘેટું છે.
આદ્રા નક્ષત્રની લોકવાયકા:
મગશરા વાયા તો આદ્રા મે આયા
વર્ષે આદ્રા તો બારેમાસ પાધરા
(મૃગશીર્ષ નક્ષત્રમાં ખૂબ પવન ફૂંકાય તો આદ્રા નક્ષત્રમાં પુષ્કળ વરસાદ આવે)
લોકવાયકા મુજબ, મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદ નોંધાયો હતો, જ્યારે કોલા વેધર વેબસાઇટના પૂર્વાનુમાન અનુસાર આદ્રા નક્ષત્રમાં સાર્વત્રિક અને ભરપૂર વરસાદ જણાઈ રહ્યો છે.
આદ્રા નક્ષત્રમાં કેટલો વરસાદ?
સામાન્ય રીતે આદ્રા નક્ષત્રની અંદર પાછોતરી વાવણી થતી હોય છે. અષાઢી બીજની વાવણી પણ આદ્રા નક્ષત્રમાં થતી હોય છે. મૃગશીર્ષ નક્ષત્રમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડતો હોય તો આદ્રા નક્ષત્રની અંદર ભરપૂર વરસાદ પડતો હોય છે. આ વર્ષે આદ્રા નક્ષત્રમાં સાર્વત્રિક અને ભરપૂર વરસાદ જણાય રહ્યો છે.
Whether મોડેલ શું કહે છે?
વેધર મોડલ મુજબ, ગુજરાતમાં 22 તારીખ સુધી છુટા છવાયા વિસ્તારમાં ઝાપટા પડતા રહેશે. 22 તારીખ પછી ગુજરાતમાં વરસાદનો એક મોટો રાઉન્ડ આવી શકે છે. 22થી 30 જૂન વચ્ચે ઘણા વિસ્તારોમાં વાવણી થઈ જાય તેવા અહેવાલો જણાય રહ્યા છે. જોકે કુદરતી પરિબળો મુજબ આગાહીમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે.
રવિવાર દરમિયાન અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ભરૃચ, સુરત, નવસારી, વલસાડ તેમજ દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે, સૌરાષ્ટ્રના દરિયા કિનારે અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. રાજ્યના બાકી વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી નથી પરંતુ સામાન્ય વરસાદ પડી શકે છે.
નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગને અનુસરવું.