અરબી સમુદ્રમાં (Arabian Sea) સર્જાયેલા લો પ્રેશરના પગલે દરિયો તોફાની બન્યો છે. દરિયામાં કરંટ વધતા વહીવટી તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આગામી 48 કલાક સુધી 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. રાજ્યના મોટા ભાગના બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે.
ગુજરાતમાં ધીર-ધીરે ચોમાસું જામી રહ્યું છે. એમાંય રાજ્યમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં વધારે માત્રામાં પડી રહ્યો છે.
રાજ્યમાં વેરાવળ બંદર, દમણના દરિયા કિનારે તેમજ મુંદ્રા, નવલખી, બેડી, દ્વારકા, ઓખા, પોરબંદર, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, ભાવનગર, ભરૂચ અને દહેજ સહિતના બંદરો પર એલર્ટ પર હોવાથી બંદરો પર 3 નંબરના સિગ્નલ આપી દેવાયા છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના અપાઇ છે.
પર્યટકોને પણ દરિયાકિનારે નજીક જવાની મનાઇ ફરમાવી છે. આગામી 4 દિવસ સુધી દમણનો દરિયો પણ તોફાની રહેવાની શક્યતા સેવાઇ રહી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આગામી 48 કલાક સુધીમાં 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઇ શકે છે.
જાણો 3 નંબરનું સિગ્નલ કયારે લગાડાય છે?
વિષમ હવામાન તથા ઝડપી પવનોના કારણે દરિયો તોફાની બને અને દરિયામાં મોજા ઉછળવાની શક્યતા રહેલી હોય ત્યારે બંદર ભયમાં હોવાનું દર્શાવવા માટે 3 નંબરનું સિગ્નલ અપાય છે. સ્થાનિક સચેતક સપાટીવાળી હવાના કારણે બંદર ભયમાં હોવાની માહિતી આપવા માટે બંદરે આ સિગ્નલ લગાડવામાં આવે છે.
નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.