રાજ્યમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. ત્યારે હવામાન નિષ્ણાત રમણિકભાઈ વામજાએ પણ અંબાલાલ પટેલની જેમ જ આગાહી કરી છે. 35 વર્ષના અનુભવ સાથે રમણિકભાઈ વામજાએ ગુજરાતમાં વરસાદ અંગે આગાહી કરી છે કે, ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં બેથી ચાર ઇંચ વરસાદ થવાનું અનુમાન છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, જામનગર જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. તેમણે ખેડૂતો માટે પણ મોટી આગાહી કરતા જણાવ્યુ છે કે, શિયાળું પાક સારો થશે. મગફળી, અડદ, મગ, એરંડા, સોયાબીનો પાક સારો થશે.
હવામાન નિષ્ણાત રમણિક વામજાએ આગાહી કરતા જણાવ્યુ છે કે, ઓગસ્ટની એકથી છ તારીખમાં બેથી પાંચ ઇંચ વરસાદ થઇ શકે છે. જ્યારે જામનગર જિલ્લામાં વધારે વરસાદ થાય તેવું મારું અનુમાન છે. ત્રીજી તારીખે અશ્લેશા નક્ષત્ર બેસે છે જેમાં બીમારીનું પ્રમાણ વધારે રહેશે. આ સાથે માખીનું પ્રમાણ વધારે રહેશે.
આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યુ કે, આ સમયમાં વીંછીં કરડવાનું પ્રમાણ વધારે રહેશે તેવું અનુમાન છે. મગફળી, અડદ, એરંડાનો પાક પણ સારો રહેશે. સાયાબીન અને અન્ય પાક માટે પણ આ સારે સમય છે જેમાં ઉત્પાદન પણ સારું થશે.
રમણિક વામજાએ એમ પણ જણાવ્યુ કે, નવરાત્રીમાં, ભાદરવામાં જે હાથિયો નક્ષત્ર બેસે છે, તેમાં કડાકા અને ભડાકા અને મિનિ વાવાઝોડા સાથે વરસાદ થાય. પહેલા અને બીજા નોરતામાં વરસાદ થશે. હજી નોરતા સુધી સારો વરસાદ થશે.
બીજી બાજુ જાણિતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે જે મુજબ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 2થી 5 ઓગસ્ટ સુધી વરસાદ રહેશે.
જાણિતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદને લઈ મહત્વપુર્ણ આગાહી કરી છે. તેમાં તેમણે જણાવ્યું કે, 2-3 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં ટર્ફ સર્જાશે જેને લઈ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં થઈને ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. તેમણે વધુમાં જણાવ્યું કે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે વરસાદ રહેશે જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 2થી 5 ઓગસ્ટ દરમિયાન વરસાદ પડશે.
અંબાલાલ પટેલે તેની આગાહીમાં વધુ જણાવ્યું કે, 8થી 9 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેમજ પવનની વધુ ગતિથી કચ્છમાં બાગાયતી પાકોને નુકસાનની શક્યતા છે. આ સિવાય ઓગષ્ટમાં દેશના પૂર્વીય રાજ્યોમાં પણ વરસાદ થશે.
આ ઉપરાંત હવામાન વિભાગની 2 ઓગસ્ટની આગાહીમાં પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મહિસાગર, દાહોદ અને બનાસકાંઠા જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે.
આગામી 3 ઓગસ્ટે આણંદ, વડોદરા, અરવલ્લી, મહિસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં આ વર્ષે સીઝનનો કુલ વરસાદ 78 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે અને મોટા ભાગના જળાશયો છલકાયા છે ત્યારે હવામાન વિભાગે કરી એકવાર વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.