સૌરાષ્ટ્રમાં દર ત્રણ ખેડૂતોએ એક ખેડૂત કપાસની ખેતી કરે છે. ચાલુ વર્ષે કપાસના ખેડૂતોને ન ધાર્યા અને ખૂબ જ ઊંચા ભાવ મળ્યા છે આથી અનેક ખેડૂતોએ મગફળી કે અન્ય પાકને બદલે કપાસનું વાવેતર કર્યું છે જેને કારણે કપાસના વાવેતરમાં મોટો વધારો થયો છે. સૌરાષ્ટ્રમાં હળવદ સહિત કેટલાંક માર્કેટયાર્ડોમાં છુટીછવાઇ નવા કપાસની આવક પણ શરૂ થઇ ચૂકી છે.
ગુજરાત, મહારાષ્ટ્રમાં કપાસનું વાવેતર વધ્યું હોઇ જ્યારે ખેતરમાં કપાસ તૈયાર થશે ત્યારે ખેડૂતો એક સાથે કપાસ વેચવા બજારમાં આવશે તો ભાવ પણ ઘટી જશે પણ વિદેશમાં ખાસ કરીને અમેરિકામાં કપાસના પાકનું ચિત્ર દિવસેને દિવસે બગડી રહ્યું હોઇ તેમજ ચીનમાં પણ કપાસનો ઊભો પાક ભારે ગરમીને કારણે બળી જવા લાગ્યો છે. જો ખેડૂતો કપાસ વેચવામાં થોડી રાહ જોશે તો નવી સીઝનમાં પણ સતત બીજે વર્ષે ખેડૂતોને કપાસના સારા અને ઊંચા ભાવ મળવાની શક્યતા છે.
કપાસના ખેડૂતોએ નવી સીઝનમાં અત્યંત ધીરજથી અને કોઇપણ જાતના ગભરાટ વગર કપાસને જાળવી રાખવાનો રહેશે. આપણે ત્યાં 70% થી વધુ ખેડૂતોને પૈસાની ખૂબ જ જરૂરત હોઇ આ ખેડૂતો જેવો પાક તૈયાર થાય કે તુરંત જ બજારમાં કપાસ વેચવા આવી જાય છે જેને કારણે માર્કેટયાર્ડમાં કપાસના ઢગલા થવા લાગે છે અને કપાસના ભાવ સડસડાટ ઘટવા લાગે છે.
આવું નવી સીઝનમાં પણ થશે આથી ભાવ ઘટે ત્યારે ગભરાટમાં આવ્યા વગર જે કપાસ સાચવી રાખશે તેના આગળ જતાં એટલે કે ચાર-પાંચ મહિના પછી કપાસના સારા ભાવ મળવાની પૂરેપૂરી શક્યતા હાલ દેખાય છે.
શરૂઆતમાં તબક્કામાં કપાસના ઢગલા માર્કેટયાર્ડોમાં મોટાપાયે થશે તો કદાચ ભાવ ઘટીને મણના 1400થી 1500 રૂપિયા પણ થઇ શકે છે પણ વિદેશમાં કપાસના પાકની સ્થિતિ જોતાં 2000 રૂપિયાથી નીચેના ભાવ ખોટા હશે અને ખેડૂતો જો નીચા ભાવે વેચશે તો પોતે હાથે કરીને નુકશાન કરશે.
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.