જો તમે પણ જાહેર ક્ષેત્રની દેશની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) પાસેથી લોન લીધી છે, તો આ સમાચાર તમારા માટે છે. બેંક તરફથી એક મોટું અપડેટ સામે આવ્યું છે. SBI દ્વારા બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ (BPLR)માં 70 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. આ ફેરફાર બાદ SBI પાસેથી લોન લેનારાઓની EMI વધશે. અગાઉ RBIએ રેપો રેટમાં 1.40 ટકાનો વધારો કર્યો છે. આ ફેરફાર ત્રણ અલગ-અલગ સમયમાં લાગુ કરવામાં આવ્યો છે.
BPLRમાં 70 બેસિસ પોઈન્ટનો વધારો થયો છે
આરબીઆઈ દ્વારા રેપો રેટમાં વધારા બાદ સરકારી અને ખાનગી બેંકો ધિરાણ દરોમાં ફેરફાર કરી રહી છે. જેના કારણે બેંક લોનની ચુકવણી મોંઘી બની રહી છે. જોકે, બેન્કો દ્વારા ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પરના વ્યાજ દરોમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. 70 બેસિસ પોઈન્ટના વધારા બાદ SBIની BPLR આધારિત લોનનો વ્યાજ દર વધીને 13.45 ટકા થઈ ગયો છે.
નવા દરો 15મી સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવ્યા છે
BPLR સાથે જોડાયેલી લોનની ચુકવણી હવે પહેલા કરતા મોંઘી બનશે, કારણ કે BPLRનો દર વધારો પહેલા 12.75 ટકા હતો. અગાઉ આ દર જૂન મહિનામાં બદલવામાં આવ્યો હતો. બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટના વ્યાજ દરોમાં ફેરફાર કરીને નવા દરો 15મી સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવ્યા છે. આ અંગેની માહિતી SBIની વેબસાઈટ પર આપવામાં આવી છે.
બેંકે બેઝ રેટમાં પણ 70 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ પછી, બેઝ રેટ વધીને 8.7 ટકા થઈ ગયો છે. બેઝ રેટ પર લાગુ નવા દરો 15 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવ્યા છે. બેઝ રેટને આધાર તરીકે લેવાથી લોન લેનારાઓની EMI પણ મોંઘી થશે.