ગાંધીનગર ખાતે ગઈ કાલે રાહત કમિશ્નરના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી, જેમાં IMDના અધિકારી એમ. મોહન્તીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મઘ્યમ વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે તેમજ તારિખ 30 જૂનથી 02 જુલાઈ દરમિયાન નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે.
1થી 3 જુલાઇમાં ક્યાં પડશે વરસાદ ?
હવામાન વિભાગ દ્વારા પહેલી તારીખે નવસારી, વલસાડ અને દિવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્ર અને ક્ચ્છના કેટલાંક જિલ્લામાં પણ 1 તારીખના રોજ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.
બીજી તારીખે દાહોદ, મહીસાગર, છોટા ઉદેપરુમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ત્રીજી તારીખે બનાસકાંઠા, પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, કચ્છમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ ?
છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 41 તાલુકામાં સૌથી વધુ વરસાદ વલસાડમાં સવા 6 ઈંચ નોંધાયો. જ્યારે પારડીમાં 3.5 ઈંચ, મહુવામાં સવા 2 ઈંચ ગારિયાધારમાં 2 ઈંચ, વાપીમાં પોણા 2 ઈંચ, હાંસોટમાં 1.5 ઈંચ, હાલોલમાં 1.5 ઈંચ વરસાદ, માંગરોળમાં સવા ઈંચ, ધરમપુરમાં 1 ઈંચ વરસાદ જ્યારે ઓલપાડમાં 1 ઈંચ, કપરાડામાં 1 ઈંચ વરસાદ નોંધાયો.
અમરેલી-જાફરાબાદના દરિયામાં કરંટ
અમરેલી જિલ્લાના જાફરબાદના દરિયામાં 10થી 12 ફૂટના મોજા ઉછળ્યા હતા. જાફરાબાદના લાઈટ હાઉસ પાસે દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. નોંધનિય છે કે, દરિયામાં તાઉતે વાવાઝોડા બાદ ફરી વાર કરંટ જોવા મળ્યો હતો. ભારે પવનના કારણે દરિયામાં તોફાની મોજાઓ ઉછળ્યા હતા.
માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
મહત્વનું છે કે, ગુજરાતના કેટલાંક બંદરો પર તંત્રએ 3 નંબરનું સિગ્નલ આપતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે. આ સાથે 40થી 60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની પણ આગાહી કરી છે. રાજ્યમાં વેરાવળ બંદર, દમણના દરિયા કિનારે તેમજ મુંદ્રા, નવલખી, બેડી, દ્વારકા, ઓખા, પોરબંદર, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, ભાવનગર, ભરૂચ અને દહેજ સહિતના બંદરો પર એલર્ટ પર હોવાથી બંદરો પર 3 નંબરના સિગ્નલ આપી દેવાયા છે.
નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.