ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 188 તાલુકાઓમાં વરસાદ આવ્યો છે. જેમાં સુરતના કામરેજમાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તેમજ આણંદમાં 3 ઇંચ, નડિયાદમાં 3 ઇંચ વરસાદ સાથે ઉમરપાડામાં 3 ઇંચ, ઓલપાડમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે.
ડેસર, માંગરોળ અને કપરાડામાં 2-2 ઇંચ વરસાદ આવ્યો છે. તથા ઠાસરામાં 1.5 ઇંચ, જોડિયામાં 1.5 ઇંચ વરસાદ સાથે બોરસદ, ઉમરેઠ, વિજાપુરમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હવે રાજ્યમાં વરસાદનુ જોર ઘટશે. આજે ક્યાંય પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી નથી. અમદાવાદ હવામાન કેન્દ્રના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ વરસાદની સિસ્ટમ હાલમાં ગુજરાત પર સક્રિય નથી.
25થી 31 જુલાઈ દરમીયાન ધુપછાવ અને શ્રાવણી સરવડા સાથે એકંદરે મીશ્ર વરાપનો માહોલ રહેશે. ગત આગાહીમાં ક્યાંક મેઘમહેર જોવા મળી તો ક્યાંક કુદરતી કહેર જોવા મળ્યો.
25થી 31 જુલાઈ દરમીયાન 1.5 થી 3.1 કીમી(850-700) સુધી ના ભેજયુક્ત પવનો અને ઓફ સૌર ટ્રફની સક્રિયતાને લીધે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. જેમાં બીજા વીસ્તારોની સરખામણીએ અમુક દીવસ ગુજરાત રીજીયન અને દક્ષિણ તથા પૂર્વ સૌરાષ્ટ્રમાં વધુ વરસાદી માહોલ જોવા મળશે, જ્યારે બાકીના ભાગોમાં હળવા ભારે ઝાપટાં કે કોઈ દીવસ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે.
આગાહી સમયગાળામાં ટોટલ વરસાદની માત્રા ગુજરાત રીજીયન અને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્ર બાજુ 20-60 મીમી અને એકલ દોકલ જગ્યાએ 100 મીમી સુધી, બાકીના સૌરાષ્ટ્ર અને કચ્છમાં 10-30 મીમી અને એકલ દોકલ જગ્યાએ 50 મીમી સુધી વરસી જાય. વધુ વરસાદ મુખ્યત્વે રાજ્યના દક્ષિણ ભાગમાં જોવા મળશે.
ગયા અતી ભારે વરસાદના રાઉન્ડની સરખામણીએ એકંદરે ક્યાંક ધુપછાવ, વરાપ કે ક્યારેક વરસાદી વાતાવરણ જોવા મળશે. બંગાળની ખાડીમાં બનનાર લોપ્રેશર ગુજરાતને અસર કર્તા નહીં થાય. ચોમાસું ધરી આવતા બેત્રણ દિવસમાં ઉતર તરફ જશે.