હવામાન વિભાગે જણાવ્યું છે કે, નૈઋત્યના ચોમાસું બે-ત્રણ દિવસમાં આગળ વધશે. બીજી બાજુ બિપોરજોય વાવાઝોડાને લીધે હાલ રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસી ગયો હોવાથી ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
ભારતીય કેલેન્ડર પ્રમાણે દર વર્ષે વરસાદના નક્ષત્રો પરથી ચોમાસુ કેવું રહેશે તેમનું અનુમાન લગાવવામાં આવતું હોય છે. સાથે ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ પડે તેની માહિતી પણ મળતી હોય છે.
સૂર્યનું પરિભ્રમણ આવતી કાલે તા. 22/06/2023, ગુરૂવારથી આદ્રા નક્ષત્રમાં થશે. આ નક્ષત્રનું વાહન ઘેટું છે. આ નક્ષત્રથી વરસાદની શરૂઆત થતી હોય છે. સામાન્ય-મધ્યમ અથવા વાવણી લાયક વરસાદ પણ જોવા મળતો હોય છે.
આદ્રા નક્ષત્રની લોકવાયકા:
મગશરા વાયા તો આદ્રા મે આયા
વર્ષે આદ્રા તો બારેમાસ પાધરા
આદ્રા નક્ષત્રની લોકવાયકા મુજબ, મૃગશીર્ષ નક્ષત્રમાં ખૂબ પવન ફૂંકાય તો આદ્રા નક્ષત્રમાં પુષ્કળ વરસાદ આવે છે. એટલે કે આ વખતે વાવાઝોડાને કારણે રાજ્યમાં ખુબ પવન ફુંકાયો હતો, તેથી લોકવાયકા મુજબ, આદ્રા નક્ષત્રમાં પણ પુષ્કળ વરસાદ પડી શકે છે.
ભડલી વાક્ય અનુસાર, જો આદ્રા નક્ષત્રમાં વરસાદનું આગમન થાય તો બારે માસ પાણીની કોઇ સમસ્યા રહેતી નથી. આવતી કાલ ગુરુવારથી આદ્રા નક્ષત્ર બેસી રહ્યું છે.
બીજી બાજુ અંબાલાલ પટેલે આગાહી જણાવ્યું કે, આગામી 27થી 30 જૂન અને જુલાઈની શરૂઆતમાં ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે. તેમણે જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલાં સર્ક્યુલેશનને લીધે અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
વરસાદ અને વાવાઝોડા સંબધિત તમામ પરિસ્થિતિમાં ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.