સામાન્ય રીતે મહિનાના પહેલા દિવસે ઘણા નિયમો બદલાય છે, જેની સીધી અસર સામાન્ય લોકો પર પડે છે. આ સાથે જ 1લી ઓગસ્ટથી પણ ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે, જેની સીધી જ અસર તમારા ખિસ્સા પર પડશે.
1) બેંક ઓફ બરોડા “પોઝિટિવ પે સિસ્ટમ” થશે લાગુ
બેંક ઓફ બરોડાના ગ્રાહકોએ હવે રૂ. 5 લાખથી વધુના ચેકની મુખ્ય વિગતોની ચકાસણી કરતા પહેલા બેંકને ઈલેક્ટ્રોનિક રીતે જાણ કરવી પડશે. આ પછી જ 5 લાખ રૂપિયાથી વધુનો કોઈપણ ચેક ક્લિયર થઈ શકશે. બેંક ઓફ બરોડા 1 ઓગસ્ટથી પોઝિટિવ પે સિસ્ટમ (Positive Pay System) લાગુ કરવા જઈ રહી છે.
બેંકના પરિપત્ર મુજબ, પોઝિટિવ પે સિસ્ટમના નિયમ 1 ઓગસ્ટ, 2022થી લાગુ થશે. આ અંતર્ગત પાંચ લાખ રૂપિયાથી વધુના ચેક માટે નવા નિયમને ફરજિયાત બનાવવાનું કહેવામાં આવ્યું છે.
2) PM કિસાન યોજના
પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે eKYC જરૂરી છે. કેંદ્ર સરકારે eKYC અપડેટ કરવાની સમયમર્યાદા 30 જૂન હતી જે સમયમર્યાદા વધારીને 31મી જુલાઈ 2022 સુધી લંબાવવામાં આવી છે. આ અંગેની માહિતી પીએમ કિસાન પોર્ટલ pmkisan.gov.in પર આપવામાં આવી છે. PMKISAN લાભાર્થીઓ માટે eKYC કરવા માટે તેમની પાસે 31મી જુલાઈ સુધીનો સમયગાળો છે.
3) LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર
દર મહિનાની જેમ આ વખતે પણ 1લી ઓગસ્ટથી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફારો થવાની શક્યતા છે. આ વખતે કંપનીઓ ઘરેલું અને કોમર્શિયલ બંને ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરી શકે છે. તમને એ પણ જણાવી દઈએ કે ગત વખતે કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તું થયુ હતું, જ્યારે ઘરેલું ગેસ સિલિન્ડરમાં ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
4) ઓગસ્ટમાં 18 દિવસ સુધી બેંકો રહેશે બંધ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (Reserve Bank of India- RBI) ની વેબસાઈટ અનુસાર ઓગસ્ટ મહિનામાં બેંકો ઘણા દિવસો સુધી બંધ રહેવાની છે. ઓગસ્ટમાં મહોરમ, રક્ષાબંધન, સ્વતંત્રતા દિવસ, કૃષ્ણ જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી જેવા અનેક તહેવારો આવે છે.
દરેક મહિનાના બીજા અને ચોથા શનિવારે દરેક બેંક બંધ રહે છે અને રવિવારની સાપ્તાહિક રજા હોય છે એવામાં 13થી 15 ઓગસ્ટ દરમિયાન બેંકોમાં કોઈ કામ નહીં થાય. 13 ઓગસ્ટે બીજો શનિવારે, 14 ઓગસ્ટે રવિવાર અને 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના દિવસે બેંકો બંધ રહેશે.
5) મતદાર આઈડી (ચુંટણી કાર્ડ) ને આધાર કાર્ડ લિંક કરો
કેન્દ્રિય કાયદો અને ન્યાય મંત્રાલય દ્વારા લોકપ્રતિનિત્વ ધારો-1950ની કલમ-23માં સુધારા અંગે તા. 30મી, ડિસેમ્બર, 2021ના જાહેરનામા દ્વારા અધિસૂચના પ્રસિધ્ધ કરવામાં આવી છે. જેનો અમલ 1લી ઓગસ્ટ, 2022થી લાગુ થવાનો છે. જે અન્વયે હાલમાં મતદારયાદીમાં સમાવિષ્ટ મતદારો તથા નવા નોધણી કરાવનાર મતદારો પોતાના નામની સાથે પોતાનો આધાર નંબર (Aadhar Card Number) સ્વૈચ્છિક રીતે દાખલ કરાવી શકે છે.
મતદારયાદીમાં સમાવિષ્ટ મતદાર પોતાનો આધાર નંબર તા. 1-4-2023 સુધીમાં સ્વૈચ્છિક રીતે મતદારયાદીમાં દાખલ કરાવી શકે છે. આ સાથે જ કેટલાક ફોર્મમાં સુધારા કરવામાં આવ્યા છે. જે 1લી ઓગસ્ટથી લાગુ થવાના છે. એટલે કે, 1લી ઓગસ્ટથી સુધારેલા ફોર્મ ભરનાર મતદાર સબંધીત કોલમમાં આધાર નંબરની વિગત દર્શાવીને મતદારયાદીમાં આધાર નંબર દાખલ કરાવી શકશે. જ્યારે હાલમાં મતદારયાદીમાં સમાવિષ્ટ મતદાર ફોર્મ નં.6-ખ ભરીને મતદારયાદીમાં આધાર નંબર દાખલ કરાવી શકશે.
આવી વધારે માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.