1 નવેમ્બર, 2022થી એવા ઘણા ફેરફારો થઈ રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય માણસના જીવન પર પડશે. આ અંતર્ગત ઈન્સ્યોરન્સથી લઈને એલપીજી ખરીદવા, પીએમ કિસાન યોજના જેવી મોટી યોજનાઓમાં ફેરફાર પણ સામેલ છે. આમાં કેટલાક ફેરફારો છે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
(1) એલપીજી સિલિન્ડરની બુકિંગમાં ફેરફાર
હવે 1લી નવેમ્બરથી એલપીજી સિલિન્ડર બુક કરાવ્યા બાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર OTP આવશે. તમારે ગેસની ડિલિવરી સમયે OTP જણાવવો પડશે, તો જ તમને તે મળશે. તમને જણાવી દઈએ કે સરકારે આવુ કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે કર્યું છે. વાસ્તવમાં, દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થવાની સંભાવના છે, કારણ કે દર મહિનાની પહેલી તારીખે તેની સમીક્ષા કરવામાં આવે છે.
(2) વીજળી સબસિડી માટે નવો નિયમ
દિલ્હીમાં વીજળી સબસિડીનો નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. આ અંતર્ગત જે લોકોએ વીજળી પર સબસિડી માટે રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તેમને 1 નવેમ્બરથી આ સબસિડી મળવાનું બંધ થઈ જશે. દિલ્હીમાં લોકોને એક મહિનામાં 200 યુનિટ સુધી મફત વીજળી મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
(3) પીએમ કિસાન યોજનામાં મોટો ફેરફાર
1લી નવેમ્બરથી પીએમ કિસાન યોજનામાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે લાભાર્થી ખેડૂતો પોર્ટલ પર જઈને આધાર નંબર પરથી પોતાનું સ્ટેટસ ચેક કરી શકશે નહીં અને આ માટે તેમણે હવે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર આપવો પડશે, જ્યારે અગાઉ પ્રધાનમંત્રી કિસાન યોજનામાં તેઓ મોબાઈલ અથવા આધાર નંબરથી સ્ટેટસ જાણી શકતા હતા.
(4) GSTના નિયમમાં ફેરફાર
1 નવેમ્બરથી GST રિટર્નમાં ઘણા મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત હવે 5 કરોડ રૂપિયાથી ઓછા ટર્નઓવરવાળા કરદાતાઓ માટે જીએસટી રિટર્નમાં ચાર-અંકનો HSN કોડ દાખલ કરવો ફરજિયાત બનશે, જે અગાઉ બે-અંકનો HSN કોડ હતો. આ અગાઉ, પાંચ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે 1 એપ્રિલથી ચાર અંકનો કોડ અને 1 ઓગસ્ટથી છ અંકનો કોડ દાખલ કરવો ફરજિયાત બનાવવામાં આવ્યો હતો.
(5) વીમા પોલિસીના નિયમોમાં ફેરફાર
1 નવેમ્બરથી, વીમા નિયમનકાર IRDA એ બિન-જીવન વીમા પોલિસી ખરીદવા માટે KYC ફરજિયાત બનાવ્યું છે. અત્યાર સુધી તે માત્ર જીવન વીમા માટે જ ફરજિયાત હતું અને નોન-લાઈફ ઈન્સ્યોરન્સ જેમ કે હેલ્થ અને ઓટો ઈન્સ્યોરન્સ જેવા કે રૂ. 1 લાખથી વધુના ક્લેઈમના કિસ્સામાં જ ફરજીયાત હતુ, પરંતુ 1 નવેમ્બરથી તે બધા માટે ફરજિયાત થઈ જશે.
(6) રેલવેના ટાઈમ ટેબલમાં ફેરફાર
1 નવેમ્બરથી ભારતીય રેલવેના નવા ટાઈમ ટેબલ પ્રમાણે ઘણી ટ્રેનોનો સમય ફેરફાર કરાશે જો તમે 1 નવેમ્બર કે ત્યાર બાદની તારીખોમાં મુસાફરી કરી રહ્યા છો તો સફર માટે નિકળતા પહેલા ટ્રેનનો સમય જરૂર ચેક કરી લો. પહેલા આ ફેરફાર 1 ઓક્ટોબરથી લાગુ થવાનો હતો પણ હવે તે 1 નવેમ્બરથી લાગુ થશે, તે અંતર્ગત દેશમાં ચાલતી રાજધાનીઓના સમયમાં પણ ફેરફાર થશે.
આવી વધારે માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.