ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને પરિણામે આ વખતે સિઝનનો કુલ સરેરાશ વરસાદ 100% નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં 156% અને સૌથી ઓછો વરસાદ પૂર્વ ગુજરાતમાં 82% જેટલો નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 107%, સૌરાષ્ટ્રમાં 89.44% અને દક્ષિણ ગુજરાતમાં 108.31% જેટલો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.
છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં મહેસાણામાં આઠ ઇંચથી વધુ વરસાદ જ્યારે મોરબી તાલુકામાં 134 મીમી, બેચરાજીમાં 124 મીમી અને રાધનપુર તાલુકામાં 121 મીમી જેટલો વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. તેમાં પણ ખાસ કરીને 24 કલાક સુધી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદી માહોલ જોવા મળશે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં 5 દિવસ સુધી સામાન્ય વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.
વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને લીધે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર પણ એલર્ટ થઇ ગયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ રાજ્યના 4 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 8 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે કચ્છ, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં અતિ ભારે વરસાદ આગાહીના કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે.
આ સાથે જ રાજ્યમાં હાલમાં 57 જળાશયો 100% ભરાયા છે. આ સિવાય 72 જળાશયો 70%થી 100% જેટલા ભરાયા છે. તો 29 જળાશયો 50થી 70% જેટલાં ભરાયા છે. 22 જળાશયો 25થી 50% ભરાયા છે. જ્યારે 28 જળાશયો 24%થી પણ ઓછાં ભરાયા છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.