ગુજરાત રાજ્યમાં 15 જૂન આસપાસ ચોમાસું (Gujarat Monsoon 2022) બેસી ગયું છે. જોકે, દક્ષિણ ગુજરાત (South Gujarat rain) અને સૌરાષ્ટ્રને બાદ કરતા અન્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડ્યો નથી. બીજી તરફ હવામાન વિભાગે (Meteorological department) 25મી જૂન બાદ રાજ્યમાં સારો વરસાદ પડશે તેવી આગાહી કરી છે.
તમને જણાવી દઈએ કે, પોરબંદર અને વડોદરા વચ્ચે સ્થિર થયેલું નૈઋત્યનું ચોમાસું હજુ આગળ વધ્યું નથી. પરંતું અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ઉદ્ભવેલી નવી સિસ્ટમનાં કારણે અનેક વિસ્તારોમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી મુજબ અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ તો સૌરાષ્ટ્રનાં અન્ય વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં સર્જાયેલી આ સિસ્ટમનાં કારણે ગુજરાત ઉપરાંત ગોવા, કર્ણાટક, કોંકણ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. આગામી 5 દિવસ ગુજરાતમાં સારો વરસાદ થશે. મોટા ભાગના દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં ભાગોમાં વધુ વરસાદ રહેશે.
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડી શકે છે. જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મોરબીમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.
નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખૂંધ સહિતના અનેક વિસ્તારોમાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. વાવણી લાયક વરસાદ આવતા ખેડૂતોમાં હરખની હેલી પણ વહી છે. આ તરફ સૌરાષ્ટ્રમાં દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ પડયો હતો.
નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગને અનુસરવું.