ગુજરાતમાં વરસાદ: રાજ્યમાં છેલ્લાં કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. આ દરમિયાન કેટલાય લોકો હિટસ્ટ્રોકનો ભોગ બન્યા છે. મોટાભાગના લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ત્યારે અંબાલાલ પટેલે આગામી 27થી 30 તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદની આગાહી કરી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, પશ્ચિમ બંગાળ, બિહાર અને પૂર્વ ઉત્તર ભારતના ભાગમાં વાવાઝોડાને લીધે ભારે નુકસાન થશે. આ સાથે જ મુશળધાર વરસાદ થવાની શક્યતા પણ રહેશે. આ ઉપરાંત 120 કિમીથી વધુની ઝડપે પવન ફૂંકાશે.
ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ગરમીની અસર રહેશે. આગામી તારીખ 27 મેના રોજથી 30 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, સુરત, ભરુચ અને સાપુતારાના વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ થશે. આમ, ગુજરાતમાં વરસાદ ધીમે ધીમે શરૂ થઈ જશે.
વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, રોહિણી નક્ષત્રમાં સૌરાષ્ટ્રના અનેક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આગામી તારીખ 27 અને 28 દરમિયાન જોરદાર પવન ફૂંકાશે.
હવે ધીમે ધીમે ગરમીમાં ઘટાડો થશે અને આગામી 8મી જૂને અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં ડિપડિપ્રેશન થશે. આમ 8થી 14 તારીખ દરમિયાન અરબ સાગરમાં વાવાઝોડું થવાની શક્યતા છે. આગામી 28 મેથી 1 જૂન દરમિયાન ચોમાસું કેરળ પહોંચે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….
રેમલ વાવાઝોડું 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે. વાવાઝોડા (Cyclone)ના આગમન સમયે દરિયામાં 1.5 મીટર ઉંચા મોજા ઉછળવાની સંભાવના છે, જેના કારણે દરિયાકાંઠાના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના નીચાણવાળા વિસ્તારો ડૂબી શકે છે.
ચોમાસાની વાત કરીએ તો, હવામાન વિભાગે સારા સમાચાર આપતા જણાવ્યું કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીના બાકીના ભાગમાં આગળ વધી ગયું છે.
આ ઉપરાંત દક્ષિણ-પશ્ચીમ અને મધ્ય બંગાળની ખાડીના અમુક ભાગ અને પૂર્વોત્તર બંગાળની ખાડીમાં આગળ વધવાની શક્યતા છે. 31 મેના રોજ ચોમાસાની કેરળમાં એન્ટ્રી કરી શકે છે.
ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.