ગુજરાતમાં ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થઇ ગયો છે. ગઈ કાલે રાજ્યના 22થી વધુ તાલુકામાં વરસાદની પધરામણી થઇ હતી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી ચાર દિવસ રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે અનેક વિસ્તારોમાં વીજળીના કડાકાં અને પવન સાથે વરસાદ વરસી શકે છે.
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડશે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે રહેશે. ચોમાસું બેસી ગયા પછી પણ 3-4 દિવસ વરસાદ પ્રમાણ ઓછું જોવા મળશે, કેમ કે હાલમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આવતા સપ્તાહે રાજ્યભરમાં સારા વરસાદના સંજોગ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ખેડા, મહીસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 22 તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધારે વરસાદ ખંભાળિયામાં પડ્યો છે. ખંભાળિયામાં માત્ર 24 કલાકમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે રાજકોટમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે.
આગામી 48 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે. આગામી 48 કલાકમાં અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. હવામાન વિભાગ અને કેટલાક જાણીતા આગાહીકારોનું કહેવું છે કે, સમગ્ર ગુજરાતમાં આગામી ત્રણ દિવસોમાં વરસાદનું આગમન થઇ જશે.
વરસાદની વધારે માહીતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.