વરસદરાજ્યમાં હાલ ઘણા વિસ્તારોમાં કાળજાળ ગરમી પડી રહી છે ત્યારે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગન દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલ આગાહી કરતા જણાવ્યું કે, આજથી એટલે કે 12 તારીખથી 16 વચ્ચે રાજ્યના મધ્ય ગુજરાત અને વડોદરામાં આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા છે. એટલું જ નહીં અમદાવાદ, મેહસાણા, બનાસકાંઠા, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતનાં ભાગોમાં પણ વાતાવરણમાં પલટા સાથે વરસાદ પડવાની શક્યતા છે.
જોકે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, એક અઠવાડિયા માટે તાપમાનમાં કોઇ વધારો નહીં થાય. ઉત્તર-પુર્વીય સાયક્લોનીક સર્ક્યુલેશન અને દક્ષિણી રાજસ્થાનમાં સિસ્ટમ ડેવલપ થવાને કારણે વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે.
વાતાવરણમાં પરિવર્તનને કારણે તાપમાન ઊંચુ જવાની સંભાવના નથી. જ્યાં વરસાદ રહેશે ત્યાં તાપમાન નીચું જવાની સંભાવના છે. અમદાવાદમાં 41.6 ડીગ્રી, ગાંધીનગરમાં તાપમાન 41.2 રહ્યુ છે. છેલ્લાં 24 કલાકમાં અમદાવાદ સૌથી વધુ ગરમ રહ્યું છે.
હવામાન વિભાગે 13 તારીખનાં રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
તા. 14 મે નાં રોજ રાજ્યનાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, ભરૂચ,બોટાદ, ભાવનગર, તેમજ સુરતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: મુસીબતનું માવઠું; કડાકા ભડાકા અને કરા સાથે ભારે વરસાદ, જાણો આજે ક્યાં ક્યાં પડશે વરસાદ?
રાજ્યમાં પાંચ મહિનામાં ચોથી વખત માવઠાનું સંકટ ઘેરાયું છે. ત્યારે હવામાન વિભાગે આજથી ચાર દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આવતી કાલે પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદ વરસી શકે છે. એટલુ જ નહીં, કમોસમી વરસાદની આગાહી વચ્ચે 30થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફુંકાઈ શકે છે.
રાજ્યમાં આ વર્ષના પ્રારંભથી જ વારંવાર માવઠાનું સંકટ સર્જાયું છે. અગાઉ જાન્યુઆરી, માર્ચ અને એપ્રિલમાં પણ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો ત્યારે વારંવાર માવઠાની સમસ્યાથી ખેડૂતો ભારે પરેશાન થયા છે.