વાવાઝોડાંને લઈને તંત્ર એલર્ટ; વાવાઝોડું તીવ્ર ચક્રવાતી તોફાન બનશે, ભારે વરસાદની આગાહીના પગલે SDRFની ટીમો એલર્ટ

WhatsApp Group Join Now

દેશમાં ચોમાસાના આગમનની ઘડીઓ વચ્ચે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે અરબ સાગર પર સર્જાયેલું ડીપ ડિપ્રેશન ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયું છે.

આ તોફાન હાલ પોરબંદરથી 1110 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ, ગોવાથી 900 કિલોમીટર પશ્ચિમ- દક્ષિણ પશ્ચિમ, મુંબઇથી 1030 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમ અને કરાંચીથી 1410 કિલોમીટર દક્ષિણે કેન્દ્રિત છે. આજે બપોર બાદ આ સિસ્ટમ ઉત્તર તરફ આગળ વધીને તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિણમે તેવી પૂરી શક્યતા છે.

જ્યારે તે 8 જૂનના રોજ અતિ તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની શક્યતા હવામાન વિભાગે કરી છે. અરબ સાગરમાં ‘બિપરજોય’ વાવાઝોડાની શક્યતાને પગલે તંત્ર એલર્ટ બન્યું છે. ગુજરાતના પોરબંદર અને જાફરાબાદ સહિતના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

વાવાઝોડાને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. આ ભારે વરસાદની શક્યતાને પગલે SDRFની ટીમોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. તો સ્થાનિક સ્તરે અધિકારીઓને પણ સતર્ક રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ હાલ ઉત્તર પશ્ચિમ તરફ ડિપ્રેશન બનીને વાવાઝોડું આગળ વધી રહ્યું છે. જેની અસર ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં જોવા મળી શકે છે. ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ અપાયું છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment