આજે અને આવતી કાલે મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની શક્યતા રહેશે. કચ્છ અને લાગુ ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ વરસદની શકયતા રહેશે. આજે દિવસ દરમ્યાન મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે અને રાતથી વરસાદમાં વધારો થાય તેવી શક્યતા છે.
આવતી કાલે 26 તારીખે આ વિસ્તારો માં અમુક જગ્યાએ ભારે વરસાદની પણ સારી શકયતા રહેશે. ઉત્તર ગુજરાતના જીવાદોરી સમાન દાંતીવાડા અને સીપુ ડેમમાં ઉપરવાસમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. આ સિવાય 26 તારીખે કચ્છ અને લાગુ ઉત્તર સૌરાષ્ટ્ર માં પણ સારા વરસાદ ની શક્યતા રહે ખરી..
હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા અને કચ્છમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળશે. તો વલસાડમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે, છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર રાજ્યમાં મેઘ મહેર જોવા મળી રહી છે.
હવામાન વિભાગનું માનીએ તો આગામી બે દિવસ ગાંધીનગર, અમદાવાદ, કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અરવલ્લી, ખેડા, આણંદ અને વલસાડમાં વરસાદી માહોલ રહેશે.
ગઈ કાલે રાજ્યમાં કુલ 231 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે. જેમાં સૌથી વધુ થરાદમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. એ સિવાય વડગામ અને સુઈ ગામમાં 3.5 ઈંચ, પાલનપુરમાં 3 ઇંચ, વાવમાં 2.7 ઈંચ વરસાદ, ખેડાના કઠલાલમાં પોણા 4 ઈંચ, મહેમદાવાદમાં 3 ઇંચ અને ખેરગામમાં પોણા 3 ઈંચ, ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય પણ ઘણા વિસ્તારોમાં ને ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.